• રવિવાર, 19 મે, 2024

મહારાષ્ટ્ર યાત્રા શરૂ કરે છે શરદ પવાર

એનસીપીમાંથી પ્રફુલ્લ પટેલ, સુનીલ તટકરેની હકાલપટ્ટી

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 3 : રાષ્ટ્રવાદીમાં અજિત પવારે બળવો કર્યા બાદ નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા તેના બીજા દિવસે એટલે આજથી પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ શરદ પવારે ગુરુપૂર્ણિમા નિમિત્તે મહારાષ્ટ્રના પ્રથમ મુખ્ય પ્રધાન યશવંતરાવ ચવ્હાણને સતારા જિલ્લામાં કરાડ ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરીને મહારાષ્ટ્ર યાત્રાનો આરંભ કર્યો છે.

અજિત પવારને સમર્થન કે આશીર્વાદ નહીં

કરાડમાં પક્ષના શક્તિ પ્રદર્શન બાદ સમર્થકોને સંબોધતાં શરદ પવારે જણાવ્યું હતું કે ભાજપ વિરોધ પક્ષોને ખતમ કરવાની શરૂઆત કરી રહી છે. આમ છતાં રાષ્ટ્રવાદી નવી શરૂઆત કરશે. અજિત પવારના બળવાને તમારા આશીર્વાદ છે એવા પ્રશ્નના ઉત્તરમાં પવારે કહ્યું હતું કે માત્ર ઓછી બુદ્ધિવાળા લોકો જ આવું કહી શકે. માત્ર સત્તા માટે આ બધું થઈ રહ્યું છે. અજિત પવારે પોતે આ નિર્ણય લીધો છે. તે રાષ્ટ્રવાદી કૉંગ્રેસનો નિર્ણય નથી. અજિત પવારને મારા આશીર્વાદ કે સમર્થન નથી. આ પ્રકારના બળવાઓ થયા કરે. કોમવાદી પરિબળો સામે મારી લડાઈ આજથી શરૂ થવાની છે. આ પ્રકારના બળવા થયા કરે છે. હું પક્ષનું પુન:નિર્માણ કરીશ.

પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ શરદ પવાર જ : અજિત પવાર

મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અને રાષ્ટ્રવાદી (અજિત પવાર)ના અગ્રણી અજિત પવારે આજે પત્રકારોને જણાવ્યું હતું કે પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે શરદ પવાર જ રહેશે.

પ્રફુલ્લ પટેલ અને સુનીલ તટકરે પક્ષની બહાર

શરદ પવારે સાંસદો પ્રફુલ્લ પટેલ અને સુનીલ તટકરેને પક્ષની બહાર હાંકી કાઢયા છે. સાંસદ પુત્રી સુપ્રિયા સુળેએ બન્ને જણ વિરુદ્ધ કાર્યવાહી કરવાની વિનંતી કરતો પત્ર શરદ પવારને ગઈ કાલે લખ્યો હતો.

હોદ્દેદારોને બરતરફીની નોટિસ

રાષ્ટ્રવાદીના મહારાષ્ટ્ર એકમના અધ્યક્ષ જયંત પાટીલે પક્ષના કેટલાક હોદ્દેદારોને બરતરફીની નોટિસ મોકલી છે. પક્ષના નામ અને પ્રતીકનો ઉપયોગ નહીં કરવાનું કહેવામાં આવ્યું છે. અજિત પવાર સાથે ગયેલા વિધાનસભ્યોને સીધી કાર્યવાહી પહેલા પુનર્વિચાર કરવાનો સમય આપવામાં આવ્યો છે. જયંત પાટીલે અજિત પવાર સહિત પ્રધાનપદે શપથ લેનારા આઠ વિધાનસભ્યોને અપાત્ર ઠેરવવાની વિનંતી કરતો પત્ર વિધાનસભાના સ્પીકરને લખ્યો છે.

બંને રાષ્ટ્રવાદી જૂથની બુધવારે બેઠક

રાષ્ટ્રવાદી કૉંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ શરદ પવારે બધા સાંસદો અને વિધાનસભ્યોને પાંચમી જુલાઈએ બેઠકમાં હાજર રહેવાનું કહેણ મોકલ્યું છે. બધા બળવાખોર વિધાનસભ્યોને પણ આમંત્રણ મોકલવામાં આવ્યું છે. આ બેઠકને અંતે પક્ષમાં બળવાખોર વિધાનસભ્યોનો સાચો આંકડો સ્પષ્ટ થશે એવો અંદાજ છે. બીજી તરફ પાર્ટીમાંથી બળવો કરી ચૂકેલા અજિત પવારે પણ પાંચમી જુલાઈએ જ આવી બેઠક બોલાવી છે.

ઇ-પેપરના નવા શુલ્ક