ફસાયેલા શ્રમિકોના પરિવારનો મુસાફરીનો ખર્ચ સરકાર ઉઠાવશે
નવી દિલ્હી, તા. 20 : ઉત્તરાખંડ સરકાર ઉત્તરકાશીની સિલ્ક્યારા સુરંગમાં છેલ્લા એક અઠવાડિયાથી વધારે સમયથી ફસાયેલા 41 શ્રમિકોના સંબંધીઓની મુસાફરી ભોજન અને આવાસનો ખર્ચ ઉપાડશે. મુખ્ય પ્રધાન પુષ્કરસિંહ ધામીએ સુરંગમાં ફસાયેલા શ્રમિકોને બને એટલી ઝડપથી બહાર લાવવાનું આશ્વાસન પરિવારજનોને આપ્યું હતું. આ દરમિયાન વડા પ્રધાને ધામી સાથે વાત કરી હતી. જેમાં સુરંગમાં ફસાયેલા શ્રમિકોને સુરક્ષિત બહાર લાવવા ચાલી રહેલા રાહત અને બચાવ કાર્યોની જાણકારી લીધી હતી.
મોદીએ ધામીને કહ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા જરૂરી બચાવ ઉપકરણ અને સંસાધન ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે. કેન્દ્ર અને રાજ્યની એજન્સીઓના પરસ્પરના સમન્વયની મદદથી શ્રમિકોને સુરક્ષિત રીતે બહાર લાવવામાં આવશે. ફસાયેલા શ્રમિકોએ મનોબળને મજબુત રાખવાની જરૂરિયાત છે. મુખ્ય પ્રધાન ધામીએ વડા પ્રધાનને જાણકારી આપતા કહ્યું હતું કે રાજ્ય અને કેન્દ્ર સરકારની એજન્સીઓ સતત રાહત અને બચાવ કાર્યમાં છે. ટનલમાં ફસાયેલા શ્રમિકો સુરક્ષિત છે અને ઓક્સિજન, પૌષ્ટિક આહાર, પાણી ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે.