• સોમવાર, 04 માર્ચ, 2024

અભ્યાસક્રમ સરકાર નક્કી કરી શકે : સુપ્રીમ કોર્ટ

પાઠયક્રમમાં સીપીઆરની માગ કરતી અરજી નકારી

નવી દિલ્હી, તા. 28 : શાળાનાં બાળકોને હાર્ટ એટેકથી જીવ ખોતા બચાવવામાં અકસીર સીપીઆર ટેકનિકને અભ્યાસક્રમમાં સામેલ કરવાની માંગ કરતી અરજી પર સુનાવણીનો સર્વોચ્ચ અદાલતે ઈન્કાર કરી દીધો છે. મુખ્ય ન્યાયમૂર્તિ ડી. વાય. ચંદ્રચૂડે જણાવ્યું હતું કે, અરજીમાં કરાયેલી માંગ સરકારના નીતિ વિષયક મામલાઓ હેઠળ આવે છે.

શાળાનાં બાળકોને અભ્યાસ ક્રમમાં શું ભણાવવું તે સરકારે નક્કી કરવાનું હોય છે. એવી અસંખ્ય બાબતો છે, જેની જાણકારી બાળકોને અભ્યાસ દરમ્યાન મળવી જોઈએ, તેવું સુપ્રીમે કહ્યું હતું.

ચંદ્રચૂડે જણાવ્યું હતું કે અદાલત આવી અનેક બાબતો -પ્રકરણોને પાઠયક્રમમાં સામેલ કરવાનો નિર્દેશ ન આપી શકે.

ટોચની અદાલતે અરજદારને કહ્યું હતું કે, આપ ઈચ્છો તો આ સંબંધમાં સીધું સરકારનું ધ્યાન દોરી શકો છો.

અરજદારે એવી માંગ કરી હતી કે, અત્યારના સમયમાં હૃદયરોગના હુમલાથી મોતોનું પ્રમાણ ખૂબ વધી ગયું છે, ત્યારે તેનું ભણતર જરૂરી છે.