• સોમવાર, 04 માર્ચ, 2024

દિલ્હી સરકાર પર ફરી સુપ્રીમ કોર્ટ નારાજ

આરઆરટીએસ પરિયોજના માટે કોર્ટને કેમ સરકારના કાંડા મરડવા પડે છે?

નવી દિલ્હી, તા. 28 : દિલ્હી-મેરઠ ક્ષેત્રિય રેપિડ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ (આરઆરટીએસ) પરિયોજનાને લઈને સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકાર પર ફરી એકવાર પ્રશ્ન ઉઠાવતાં કહ્યું હતું કે એમની પાસે જાહેરાત માટે બજેટ બનાવવા માટેની જોગવાઈ છે પણ પરિયોજના માટે નહીં. અદાલતે પૂછયું હતું કે, આખરે કેમ એમને સરકારનો હાથ મરડીને પૈસા દેવા માટે કહેવું પડે છે. અદાલતે આદેશનું પાલન ન થવા પર ચિંતા દર્શાવી હતી.  સુપ્રીમ કોર્ટે બધા પૈસા આપવા માટે દિલ્હી સરકારને સમય આપ્યો. કેસની વધુ સુનાવણી 7 ડિસેમ્બરે કરાશે. 

કેસની સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ સંજય કિશન કૌલે કહ્યું હતું કે, દિલ્હી સરકાર મુજબ 415 કરોડ રૂપિયાની રકમ સ્વીકૃત કરાઈ ગઈ છે. પણ આ રાશિ એનસીઆરટીસીના ખાતામાં જમા થઈ નથી. એમણે કહ્યું હતું કે મંજૂરી આદેશ ખુદ કહે છે કે, આંશિક અનુપાલન કરવામાં આવ્યું છે. જસ્ટિસે કહ્યું હતું કે, આંશિક નહીં પણ પૂર્ણ પાલન થવું જોઈએ. 

સુપ્રીમ કોર્ટે દિલ્હીને કહ્યું હતું કે, અદાલતના હુકમનું પાલન ન થવાથી તેઓ ચિંતિત છે. કારણ કે દિલ્હી સરકાર તેમના આદેશનું આંશિક પાલન કરી રહી છે. અદાલતે કહ્યું હતું કે સરકાર વિભિન્ન કોરીડોરની ચૂકવણીમાં ગરબડ કરી રહી છે. 

દિલ્હી સરકાર તરફથી જણાવવામાં આવ્યું હતું કે, રેપિડ રેલ કેસમાં આંશિક ચૂકવણી ગયા શુક્રવારે જ કરવામાં આવી હતી.  પહેલાં પણ સુપ્રીમ કોર્ટથી દિલ્હી સરકારને  ભારે ફટકો લાગ્યો હતો. અદાલતે પરિયોજનાને લઈને ફંડ ન આપવા સામે નારાજગી બતાવતાં એક સપ્તાહની અંદર 415 કરોડ રૂપિયા દેવાનો આદેશ સરકારને દીધો હતો.