• સોમવાર, 04 માર્ચ, 2024

41 શ્રમિકોનો 418 કલાક જિંદગીનો જંગ

દહેરાદુન, તા. 28 : ઉતરાખંડના ઉત્તરકાશીની સિલક્યારા ટનલમાં 17 દિવસ બાદ બચાવ ટીમને મજૂરોને બહાર કાઢવામાં સફળતા મળી છે. પરિવારજનોને ટનલની બહાર બોલાવી લેવામાં આવ્યા હતા. 418 કલાકથી સુરંગમાં ફસાયેલા 41 મજૂરો માટે રેટ હોલ માઈનિંગ નામની સિસ્ટમ જીવતદાન બની છે. નિર્માણાધીન ટનલમાં 17 દિવસ સુધી ફસાયેલા 41 કામદારો માટે મંગળવારનો દિવસ મહત્ત્વનો સાબિત થયો હતો. રેસ્ક્યૂ ઓપરેશનમાં લાગેલી ટીમને આજે સફળતા મળી છે. 

12 નવેમ્બર 2023ના રોજ સવારે 5.30 વાગ્યે સિલ્ક્યારા અને બેડકોટ વચ્ચે નિર્માણાધીન સુરંગમાં ધરાશાયી થઈ હતી. ટનલના સિલ્ક્યારા ભાગમાં 60 મિટર દૂર કાટમાળ પડવાના કારણે આ ઘટના બની હતી. આને કારણે ત્યાં કામ કરી રહેલા 41 મજૂરો તેમાં ફસાયા હતાં અને છેલ્લા 17 દિવસથી તેમને બહાર કાઢવાના પ્રયાસો શરૂ કરાયા હતાં. આ ઘટનાની જાણ તાતાત્કાલિક રાજ્ય અને કેન્દ્ર સરકારની તમામ સંબંધિત એજન્સીઓને કરવામાં આવી હતી અને પાઈપો દ્વારા ટનલમાં ફસાયેલા કામદારોને ઓક્સિજન, પાણી, વીજળી, પેકડ ફૂડનો પુરવઠો પૂરો પાડવાની સાથે બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી.