• સોમવાર, 04 માર્ચ, 2024

રશિયન હીરા ઉપર આકરો પ્રતિબંધ આવી રહ્યો છે

યુરોપિયન યુનિયન બ્લૉકચેઈન ટેક્નૉલૉજી અપનાવશે

મુંબઈ, તા. 28 (એજન્સીસ) : રશિયાના ડાયમંડની નિકાસ પર અંકુશો મૂકવા યુરોપિયન દેશો હવે તૈયારી કરી રહ્યા છે. બેલ્જિયમ ટ્રેડરો તેમના ઉદ્યોગની નવી ચકાસણી માટેની યંત્રણા તૈયાર કરી રહ્યા છે. એન્ટવર્પ એ હીરાનું જાણીતું મથક છે, જે વિશ્વના 86 ટકા રફ ડાયમંડનું સંચાલન કરે છે. ત્યાંની પૉલિશિંગ લેબ્સને બ્લૉકચેઈન ટેક્નૉલૉજીમાં પરિવર્તિત કરાઈ રહી છે કે જેથી તેમના જેમ સ્ટોન્સ આફ્રિકા, અૉસ્ટ્રેલિયા, કૅનેડાની કાયદેસરની ખાણમાંથી આવે છે તે જાણી શકાય. રશિયાની ખાણોના જેમ સ્ટોન અહીં પસાર થઈ શકશે નહીં.

રશિયા-યુક્રેનનું યુદ્ધ ફાટી નીકળ્યું તે પૂર્વે વૈશ્વિક બજારમાં ત્રીજો હિસ્સો રશિયન સ્ટોનનો હતો. ત્યાર બાદ જી-7 દેશોએ તેમના વેપાર પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો હતો. બેલ્જિયમમાં ઉદ્યોગના આંતરિક વર્તુળો જણાવે છે કે આ પ્રતિબંધનો અમલ તબક્કાવાર કરાયો હતો કે જેથી બજાર બહુ ડહોળાઈ ન જાય.

દરમિયાન મુખ્ય વેપારીઓ અને જ્વેલરી બ્રાન્ડોએ તેમના ડાયમંડ ક્યાંથી આવે છે તે જાણવા અને પ્રમાણિત કરવા એડવાન્સ ટ્રેકિંગ ટેક્નૉલૉજી અપનાવવાનું શરૂ કર્યું હતું.

આ અત્યાચાર બે દાયકા પૂર્વે શરૂ થયા હતા અને કહેવાતા `બ્લડ-ડાયમંડસ'નો ઉપયોગ આફ્રિકાના ઘાતકી સિવિલ યુદ્ધની નાણાકીય જોગવાઈ માટે થતો હતો. ઉદ્યોગ હવે પોતાના પરનું આ લાંછન દૂર કરવા માગે છે. જો વેપારીઓ રશિયાને નિયંત્રણો ટાળવામાં મદદ કરશે કે જેથી યુક્રેન પરના યુદ્ધ માટે નાણાં ભેગા થઈ શકે, તો ડાયમંડ ઉદ્યોગની પ્રતિભા પાછી ઝાંખી પડી જશે.

યુરોપિયન યુનિયન હવે તેમના નિયંત્રણોના 12મા પૅકેજના ભાગરૂપ રશિયન ડાયમંડ પર પ્રતિબંધની રૂપરેખા ઘડી રહેલ છે. આથી મૉસ્કોના યુદ્ધ અર્થતંત્રને નાણાં મળી શકશે નહીં. રશિયા આ નાણાંનો ઉપયોગ નોર્થ કોરિયા અને ઈરાનથી શસ્ત્રસરંજામ અને ડ્રોન ખરીદવા કરે છે.

આમ છતાં ડાયમંડ વેપારને અંકુશિત કરવાનું અઘરું છે. હીરા બહુ નાના અને અતિ કિંમતી હોય છે. જેમ્સ સાદા અને દાણચોરી કરવા આકર્ષણપ્રેરક હોય છે. અન્ય સ્રોત જેડે સ્ટોન્સ સરળતાથી ભેળવી શકાય છે. રફ ડાયમંડને કટ-પૉલિશિંગ દ્વારા તેનું વજન અને આકાર બદલાવી શકાય છે. વળી તે આભૂષણોમાં જડી શકાય છે.

યુરોપ અને ખાસ કરીને બેલ્જિયમને બીજી ચિંતા છે. ઈયુ પ્રતિબંધ છતાંય રશિયન જેમ્સ દુબઈ અને ભારતમાં હરીફોને ત્યાં પગ કરી જાય છે.

ઈયુ પ્રતિબંધો બાદ જી-7 દેશો સક્રિય થયા હતા. વિશ્વના ટોચના ઔદ્યોગિક લોકશાહી દેશોએ વૈશ્વિક પ્રતિબંધ માટે સહમતી સાધી હતી.

આઈટીરાસેઈટ સીઈઓ ફેડરિક ડીગ્રીસેની ફર્મ માર્કેટના ખેલાડીઓને તેમના સપ્લાય ચેઈનની ચકાસણી માટે ડિજિટલ માર્ગ દર્શાવે છે.

યુરોપિયન કમિશને આ દરખાસ્ત સ્વીકારી છે અને સભ્ય રાષ્ટ્રોને મંજૂરી માટે તે મોકલી આપી છે. આગામી દિવસોમાં 27 સભ્ય દેશો સર્વાનુમતે તેને મંજૂરી આપી દેશે એવી શક્યતા છે.

આથી રશિયાથી નીકળતા, માર્ગમાં હેરફેર થતા કે નિકાસ થતા ડાયમંડના વેપાર ઉપર નક્કર પ્રતિબંધ મુકાઈ જશે. રશિયાના કટ અને પૉલિશ્ડ ડાયમંડ જે ત્રીજા દેશોમાં જાય છે તેના પર પણ પ્રતિબંધ આવી જશે.

પહેલી જાન્યુઆરી, 2024થી આ પ્રતિબંધ બિનઔદ્યોગિક કુદરતી અને સિન્થેટિક્સ ડાયમંડ્સને તેમ જ ડાયમંડ જ્વેલરીને લાગુ પડી જશે.

ત્રીજા દેશોમાં કટ કે પૉલિશ્ડ રશિયન ડાયમંડની આયાત પરનો પ્રતિબંધ આવતા વર્ષે માર્ચ અને સપ્ટેમ્બર વચ્ચે તબક્કાવાર લેવાશે.

માઈનરો પથ્થર મેળવે ત્યારથી તેઓ બ્લૉકચેઈન ટેક્નૉલૉજી જેવી આગવી ફિલિંગ સિસ્ટમનો ઉપયોગ કરી દરેક પથ્થરને ક્યુઆર કોડ આપી શકશે. તેમાં તેના કન્ટેન્ટની વિગતો પણ આવી જશે. આથી ખરીદી માટે, નિકાસ લાઈસન્સ માટે કે આધારભૂત સર્ટિફિકેટ મેળવવા તે કામ આવી શકશે.

આનો પ્રારંભિક પૉઈન્ટ કૅનેડા હશે અને ત્યાર બાદ આ સિસ્ટમ ફ્રાન્સમાં આવશે.