• સોમવાર, 04 માર્ચ, 2024

`ભગીરથ' પ્રયાસ સફળ જીવનગંગા અવતરી

17 દિવસના સંઘર્ષ બાદ 41 શ્રમિકો સુરંગમાંથી હેમખેમ બહાર

દહેરાદૂન, તા. 28 : ભારતીય શાત્રોના બ્રહ્મપુરાણ, દેવી ભાગવત સહિતના ગ્રંથોમાં ગંગા અવતરણના પ્રસંગનું અદ્ભુત વર્ણન છે. ભગવાન મહા વિષ્ણુ વૈકુંઠમાં લક્ષ્મી, સરસ્વતી અને ગંગા સાથે વિશ્રામ કરતા હતા ત્યારે ત્રણેય પત્નીઓ વચ્ચે વિખવાદ થયો. તેમાં સરસ્વતીએ ગંગાને નદી સ્વરૂપે પૃથ્વી પર અવતરીને લોકોના પાપ માથે લેવાનો શાપ આપ્યો પરંતુ વિષ્ણુએ આશ્વાસન આપતા ગંગાને કહ્યું કે, તું પાપહારી નદી રૂપે ભૂલોકમાં જઈશ ત્યાં શિવની પત્ની થઈશ. ભગીરથ રાજા માર્ગ બતાવી ભૂમિ પર તારૂં અવતરણ કરશે. સૂર્યવંશના મહાન રાજા ભગીરથે ગંગા અવતરણનું દુષ્કર કાર્ય પાર પાડયું ત્યારથી ભગીરથ પ્રયાસ જેવો શબ્દ ઉપયોગમાં લેવાઈ છે. ભારતમાં જાણે આ ઘટનાનું અલગ રીતે પુનરાવર્તન થયું. ઉત્તરાખંડમાં સુરંગમાં ફસાયેલા 41 શ્રમિકોને 17 દિવસના સઘન, સનિષ્ઠ, સંધર્ષપૂર્ણ પ્રયાસો બાદ ક્ષેમકુશળ બહાર લાવવામાં આવ્યા. ભગીરથ પ્રયાસ સફળ થયો જીવન ગંગા અવતરી.

દિવસોના ઉચાર અને લોકોની પ્રાર્થના વચ્ચે આખરે ઉતરાખંડની સિલ્કયારા-ડંડાલગાંવ ટનલમાં ફસાયેલા મજદૂરોને સફળતાપૂર્વક ઉગારી લેવામાં આવ્યા હતા. પહેલો મજદૂર સાંજે 7.50 કલાકે બહાર લવાયો હતો. તમામ મજદૂરને એમ્બ્યુલન્સથી હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા. મજદૂરો બહાર આવવાની સાથે જ ટનલની બહાર ઉચકજીવે રાહ જોતા પરિવારજનો ખુશીના આંસુ સાથે ભેટી પડતાં ભાવૂક દ્રશ્યો સર્જાયા હતા. 

બચાવ અભિયાન પર નજર રાખી પોતાની ખુશી વ્યક્ત કરી હતી. બચાવ ટીમના સભ્ય હરપાલસિંહ જણાવ્યું કે મહત્વના બની રહેલા આજના દિવસે સાંજે 7.05 કલાકે પહેલી સફળતા મળી હતી.

ઉતરાખંડના મુખ્ય પ્રધાન પુષ્કરસિંહ ધામીએ બહાર નીકળેલા મજદૂરોથી વાત કરી હતી. તેમણે સાથે કેન્દ્રીય પ્રધાન વી. કે. સિંહ રહ્યા હતા.

રેટ સ્પેનર્સવાળી કંપની  નવયુગના મેન્યુઅલ ડ્રીલર નસીને જણાવ્યું હતું કે તમામ મજદૂરો સ્વસ્થ છે. મેં તેમની સાથે સેલ્ફી લીધી હતી. તેમણે કહ્યું કે જ્યારે અંતિમ પથ્થર હટાવવામાં આવ્યો તે સાથે જ બધા એ જયગોષ કર્યો હતો.

એનડીએમએના એક અધિકારીએ જણાવ્યું કે ખોદકામ બાદ ટનલમાં પાઈપ સુધી એક રેંક બનાવવામાં આવી હતી જેના દ્વારા મજદૂરોને પાઈપ સુધી પહોંચાડવામાં આવ્યા હતા. પાઈપમાં પહોંચ્યા બાદ મજદૂરોને સ્ટ્રેચર પર સુવાડવામાં આવ્યા હતા અને રસ્સીની મદદથી ખેંચીને બહાર કાઢવામાં આવ્યા હતા. એક મજદૂરને બહાર આવવામાં પાંચથી સાત મિનિટ લાગી હતી.

 આ પહેલાં ઉત્તરાખંડના ટનલમાં 12 નવેમ્બરથી ફસાયેલા 41 મજૂર બહાર આવે તે માટે તંત્ર દ્વારા આગોતરી તૈયારી કરાઇ હતી. એસડીઆરએફની ટીમ સ્ટ્રેચર અને ગાદલાં સાથે ટનલની અંદર પહોંચી ગઈ હતી. ટનલની અંદર એમ્બ્યુલન્સ પણ પહોંચી હતી.   

મજૂરોનાં પરિવારજનોને ટનલ પાસે બોલાવવામાં આવ્યાં હતા.

ટનલની નજીક એક બેઝ હોસ્પિટલ છે, જ્યાં તેમને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. આ પછી મજૂરો માટે એમ્બ્યુલન્સ તૈયાર રાખવામાં આવી છે. તેમને 30-35 કિમી દૂર ચિન્યાલીસૌડમાં લઈ જવામાં આવ્યા. ત્યાં 41 બેડની વિશેષ હોસ્પિટલ બનાવવામાં આવી છે. એમ્બ્યુલન્સ સાથે સ્પેશિયલ ડોકટર પણ રહેશે. જો કોઈપણ મજૂરની સ્થિતિ વધુ ખરાબ લાગે છે, તો તેને તાત્કાલિક એરલિફ્ટ કરીને ઋષિકેશ અઈંઈંખજ લઈ જવામાં આવશે. 

અધિકારીઓએ ટનલની અંદર ફસાયેલા મજૂરોના પરિવારોને તેમનાં કપડાં અને બેગ તૈયાર રાખવા જણાવ્યું હતું.  

મજૂરોની સુરક્ષા માટે લોકો ટનલ પાસે પૂજા પણ કરી રહ્યા હતા. બાબા બોખના મંદિર પાસે લોકો હવન-પૂજા કરી હતી. ઈન્ટરનેશનલ ટનાલિંગ એક્સપર્ટ, આર્નોલ્ડ ડિસ્કે પણ પૂજામાં હાજરી આપી હતી. 

24 નવેમ્બરે મજૂરોના સ્થાનથી માત્ર 12 મીટર દૂર મશીનની બ્લેડ તૂટી ગઈ હતી, જેના કારણે બચાવ કામગીરી અટકાવવી પડી હતી. જણાવીએ કે 12 નવેમ્બરે નિર્માણાધીન ટનલનો એક ભાગ તૂટી પડ્યો હતો, જેના કારણે ટનલમાં કામ કરી રહેલા 41 મજૂર અંદર ફસાયા હતા. ટનલમાં પાઇપની અંદર મેન્યુઅલી ડ્રાલિંગ કરીને જે કાટમાળ એકઠો કરવામાં આવી રહ્યો છે એને આ ટ્રોલી દ્વારા બહાર કાઢવામાં આવી રહ્યો છે. આ ટ્રોલી સુરેન્દ્ર રાજપૂતે ડિઝાઇન કરી છે. આ ટ્રોલી એક સમયે 2.5 ક્વિન્ટલ કાટમાળ બહાર કાઢે છે.