• શનિવાર, 27 એપ્રિલ, 2024

ઈમરાનનું રાજકીય અસ્તિત્વ ખતમ કરવા કવાયત  

ઈસ્લામાબાદ, તા. 24 : પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન ઈમરાન ખાનનું રાજકીય અસ્તિત્વ ખતમ થઈ જશે. પાકિસ્તાની સરકારના કહેવા પ્રમાણે ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક એ ઈન્સાફ ઉપર પ્રતિબંધ લાદવાનો વિચાર ચાલી રહ્યો છે. પીટીઆઇ ઉપર આ પ્રતિબંધ નવમી મેના રોજ ઈમરાન ખાનની ધરપકડ બાદ થયેલા હુલ્લડનાં કારણે લાગી શકે છે. ઈમરાન ખાનની ઈસ્લામાબાદ હાઇ કોર્ટ પરિસરની અંદરથી સેના દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આ મામલે સરકાર આકરાં પગલાં ભરી રહી છે અને હુમલા કરનારા લોકો સામે આર્મી એક્ટ હેઠળ કાર્યવાહી થઈ શકે છે. 

પાકિસ્તાની રક્ષા પ્રધાન ખ્વાજા આસિફે કહ્યું હતું કે, ઈમરાનનની ધરપકડ બાદ હિંસા કરનારા લોકો ઉપર કેવી રીતે સકંજો કસવામાં આવે તે અંગે ચર્ચા ચાલી રહી છે. પીટીઆઇ ઉપર પ્રતિબંધ અંગે આસિફે કહ્યું હતું કે, હજી સુધી આ મામલે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. ચર્ચા ચાલી રહી છે. આ દરમિયાન પીટીઆઇ છોડતા નેતાઓની સંખ્યા સતત વધી રહી છે કારણ કે, દેશની રાજનીતિ ખોટી દિશામાં જઈ રહી છે. પીટીઆઇ નેતા મોહમ્મદ સલીમ અખ્તરે પક્ષ છોડીને કહ્યું હતું કે, તેઓની પાસે વર્તમાન સમયે જે રાજનીતિ થઈ રહી છે તેના માટે સમય નથી. ખ્વાજા આસિફે કહ્યું હતું કે, ઈમરાન ખાન ખતરનાક રાજનીતિ કરી રહ્યા છે. ઈમરાન સેનાને પોતાના દુશ્મન તરીકે જોઈ રહ્યા છે. ઈમરાનની રાજનીતિ જ સેનાના ખોળામાં બેસીને શરૂ થઈ છે. આજે અચાનક સેનાનો વિરોધ કરી રહ્યા છે.