• મંગળવાર, 06 જૂન, 2023

ઠાકરે જૂથ દિલ્હીમાં સર્વિસીસના વટહુકમ અંગે `આપ'ને ટેકો આપશે  

કેજરીવાલ મળ્યા ઉદ્ધવ ઠાકરેને 

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 24 : કેન્દ્રમાં મોદી સરકારે દિલ્હીમાં સર્વિસીસ ઉપર અંકુશ મેળવવા બહાર પાડેલો વટહુકમ બતાવે છે કે તે સર્વોચ્ચ અદાલતમાં માનતી નથી. આ વટહુકમને વિધેયકના રૂપમાં રાજ્યસભામાં રજૂ કરવામાં આવે ત્યારે `આપ'ના ટેકામાં તેનો વિરોધ કરવાની ખાતરી ઠાકરે જૂથે આપી છે, એમ દિલ્હીના મુખ્ય પ્રધાન અને `આપ'ના સંયોજક અરવિંદ કેજરીવાલે જણાવ્યું છે.

ઠાકરે જૂથના વડા ઉદ્ધવ ઠાકરેને આજે `માતોશ્રી'માં મળ્યા પછી તેમની સાથે સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધતાં કેજરીવાલે જણાવ્યું હતું કે આ વટહુકમને આગામી છ માસમાં કાયદામાં ફેરવવા રાજ્યસભામાં રજૂ કરાશે ત્યારે તેને પસાર નહીં થવા દઈએ. જો રાજ્યસભામાં આ વિધેયક મંજૂર નહીં થાય તો તેનો સીધો અર્થ થાય છે કે વર્ષ 2024માં મોદી સરકાર સત્તા ઉપર નહીં આવે એમ કેજરીવાલે ઉમેર્યું હતું.

રાજ્યસભામાં શિવસેનાના ત્રણ સભ્યો છે. ઉદ્ધવ ઠાકરે સાથેની બેઠક સમયે કેજરીવાલ સાથે પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માન, `આપ'ના રાજ્યસભાના સભ્યો સંજય સિંહ અને રાઘવ ચઢ્ઢા તેમ જ દિલ્હીના પ્રધાન આતિશી પણ ઉપસ્થિત રહ્યા હતા.

ઉદ્ધવ ઠાકરેએ પત્રકાર પરિષદમાં કેજરીવાલને ટેકો આપતાં જણાવ્યું હતું કે લોકશાહીમાં સર્વોચ્ચ અદાલતનો આદેશ મહત્ત્વનો છે. જેઓ લોકશાહીના વિરોધમાં છે તેઓને પરાભૂત કરવા અમે સાથે આવ્યા છીએ. આપણે આ વખતે ટ્રેન ચૂકી જઈશું તો દેશમાં લોકશાહી નહીં બચે. અમે લોકશાહી દેશ અને બંધારણને બચાવવા માટે સાથે આવ્યા છીએ, એમ ઉદ્ધવ ઠાકરેએ ઉમેર્યું હતું.

કેજરીવાલે દાવો કર્યો હતો કે ભાજપ લોકશાહી કે સર્વોચ્ચ અદાલતમાં મનાતો નથી. ભાજપ એ દિલ્હીમાં `અૉપરેશન લોટ્સ' આદર્યું હતું, પરંતુ તે સફળ થયું નહોતું. તેથી કેન્દ્ર સરકાર દ્વારા હવે વટહુકમ લાવવામાં આવ્યો છે. ભાજપ હવે ઉદ્ધત થઈ ગયો છે અને સાથોસાથ સ્વાર્થી પણ થયો છે. ઉદ્ધતાઈ અને સ્વાર્થવૃત્તિ સાથે દેશ ચલાવી શકાય નહીં, એમ કેજરીવાલે વડા પ્રધાન મોદીનું નામ લીધા વિના ઉમેર્યું હતું.

કેજરીવાલ આવતી કાલે સવારે રાષ્ટ્રવાદી કૉંગ્રેસના અધ્યક્ષ શરદ પવારની મુલાકાત લેવાના છે.

`રાજ ભવન ભાજપની હેડ અૉફિસ, રાજ્યપાલ સ્ટાર કૅમ્પેનર'

પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માનએ જણાવ્યું હતું કે ભારતમાં લોકશાહી જોખમમાં છે. ચૂંટાયેલા (ઇલેક્ટેડ) કરતા પસંદ કરાયેલા (સિલેક્ટેડ) લોકો દેશ ચલાવે છે. સરકાર ચૂંટાયેલી હોય છે. તેઓ પોતાની પસંદગીના રાજ્યપાલ નીમે છે. અમારે રાજ્યપાલના વિરુદ્ધ સર્વોચ્ચ અદાલતમાં જવું પડયું છે. રાજભવન ભાજપની હેડ અૉફિસ બની ગયા છે. જ્યારે ગવર્નર સ્ટાર કૅમ્પેનર બની ગયા છે, એમ માનએ ઉમેર્યું હતું.