• શુક્રવાર, 26 એપ્રિલ, 2024

બધી પાર્ટીઓને નિમંત્રણ, વિવેકપૂર્ણ નિર્ણયની અપેક્ષા : અમિત શાહ    

નવા સંસદ ભવનના ઉદ્ઘાટનનો વિપક્ષોનો બહિષ્કાર

આનંદ કે. વ્યાસ તરફથી

નવી દિલ્હી, તા. 24 : નવા સંસદ ભવનના ઉદ્ઘાટન સમારોહનો બહિષ્કાર કરવાના કૉંગ્રેસ સહિતની વિપક્ષી પાર્ટીઓના નિર્ણય સંબંધે કેન્દ્રના ગૃહપ્રધાન અમિત શાહે જણાવ્યું હતું કે તમામ રાજકીય પાર્ટીઓને સરકાર તરફથી નિમંત્રણ આપવામાં આવ્યું છે, દરેક પાર્ટીને આ સંદર્ભે પોતાના વિવેકથી વિચારવાનો અધિકાર છે. 

નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન  વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હાથે 28 મેએ થવાનું છે એનો વિરોધ દર્શાવતા કૉંગ્રેસ સહિતની 19 વિપક્ષી પાર્ટીઓએ સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું કે સંસદ ભવન દેશની લોકશાહીનું મંદિર કે પ્રતીક છે અને રાષ્ટ્રપતિ દેશના બંધારણીય વડા હોવાથી નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન વડા પ્રધાનના બદલે રાષ્ટ્રપતિના હસ્તે થવું જોઈએ. 19 વિપક્ષી પાર્ટીઓએ સંયુક્ત નિવેદનમાં આ સમારોહનો બહિષ્કાર કરવાનું જાહેર કર્યું છે. 

આ સંબંધે અમિત શાહે જણાવ્યું હતું કે સરકારે નવા સંસદ ભવનના ઉદ્ઘાટન સમારોહનું નિમંત્રણ તમામ રાજકીય પાર્ટીઓને આપ્યું છે અને તમામ પાર્ટીઓને એ સંબંધે વિવેકના આધારે એમાં સામેલ થવું કે કેમ એ નક્કી કરવાનો અધિકાર છે. શાહે કહ્યું હતું કે નવું સંસદ ભવન દેશની લોકશાહીનું પ્રતીક છે અને એના ઉદ્ઘાટનના મુદ્દે રાજકારણ રમવું એ અનુચિત છે. સંસદીય કાર્યપ્રધાન પ્રહ્લાદ જોશીએ જણાવ્યું હતું કે 19 વિપક્ષી પાર્ટીઓએ સમારોહનો બહિષ્કાર જાહેર કર્યો એ કમનસીબ ઘટના છે. હું અપીલ કરું છું કે તમામ રાજકીય પક્ષો આ બાબતે ફેરવિચારણા કરે અને નવા સંસદ ભવનના ઉદ્ઘાટન સમારોહમાં સહભાગી થાય. લોકશાહીના આવા શુભ અવસરને રાજકીય રંગ આપવો એ અયોગ્ય છે. 

સંસદ ભવનના કસ્ટોડિયન લોકસભાના અધ્યક્ષ હોય છે અને એમણે જ વડા પ્રધાનને નવા સંસદ ભવનના ઉદ્ઘાટન માટે આગ્રહ કર્યો છે, એમ જોશીએ જણાવ્યું હતું. વિપક્ષોનું કહેવું છે કે રાષ્ટ્રપતિ દેશના પ્રથમ નાગરિક અને રાષ્ટ્રના વડા હોવાથી એમના હાથે ઉદ્ઘાટન થવું જોઈએ, બંધારણીય વડા તરીકે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પણ સંસદ ભવનનો એક ભાગ છે એમને પણ કાર્યક્રમમાં નિમંત્રણ આપવું જોઈએ અને પ્રમુખપદેથી વક્તવ્ય આપવું જોઈએ. રાષ્ટ્રપતિ જ સરકારને શપથ લેવડાવે છે અને સંસદનું અધિવેશન બોલાવે છે તેમ જ તેઓ દેશના પ્રથમ નાગરિક છે. 

સંયુક્ત નિવેદનમાં વિપક્ષોએ જણાવ્યું હતું કે મોદી સરકાર એક પછી એક મનફાવે એવા નિર્ણયોથી લોકશાહીને પડકારી રહી હોવાનું લાગી રહ્યું છે. સંસદ ભવનના ખાત મુહૂર્તથી લઈને નિર્માણ સુધી અને હવે ઉદ્ઘાટન માટે પણ સરકારે સરમુખત્યારશાહીની જેમ નિર્ણયો લીધા છે. વડા પ્રધાન મોદીએ પોતે જ નવા સંસદ ભવનનો ઉદ્ઘાટન કરવાનો નિર્ણય લઈને રાષ્ટ્રપતિ મુર્મુને કોરાણે મૂક્યાં છે એ રાષ્ટ્રપતિ અને લોકશાહીનું  અપમાન છે, એનો વિરોધ દર્શાવવા વિપક્ષોએ સમારોહનો બહિષ્કાર જાહેર કર્યો છે. બહિષ્કારના સંયુક્ત નિવેદનમાં મુખ્ય વિપક્ષ કૉંગ્રેસ ઉપરાંત તૃણમૂલ કૉંગ્રેસ, ડીએમકે, જનતા દળ (યુનાઇટેડ), આપ, સીપીઆઇ-એમ, સીપીઆઇ, સપા, એનસીપી, ઉદ્ધવ ઠાકરેની શિવસેના, આરજેડી, આઇયુએમએલ, જેએમએમ, એનસી, કેસી(એમ), આરએસપી, વીસીકે, એમડીએમકે, આરએલડી સહિતની પાર્ટીઓના નેતાઓના હસ્તાક્ષર છે.