• સોમવાર, 04 માર્ચ, 2024

ભારતે કતારમાં મોતના મુખમાંથી પૂર્વ નૌસૈનિકોને ઉગાર્યા  

નવીદિલ્હી, તા.12: 26 ઓક્ટોબરના રોજ, કતારની કોર્ટે ઓગસ્ટ 2022માં ધરપકડ કરાયેલા આઠ ભારતીય નાગરિકને મૃત્યુદંડની સજા ફટકારી હતી. જો કે, કતાર પ્રશાસન કે ભારત સરકારે તે અધિકારીઓ સામેના આરોપોને જાહેર કર્યા નથી જ્યારે મૃત્યુદંડના સમાચાર વૈશ્વિક હેડલાઇન્સ બન્યા ત્યારે ભારતે ચુકાદાને `આઘાતજનક' ગણાવ્યો અને કેસમાં તમામ કાનૂની વિકલ્પોને અનુસરવાનું નક્કી કર્યું. 

ગયા વર્ષે 1 ડિસેમ્બરના રોજ દુબઈમાં COP28 સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કતારના અમીર શેખ તમીમ બિન હમદ અલ-થાની વચ્ચેની બેઠક બાદ ભૂતપૂર્વ મરીનની સજા ઘટાડવામાં આવી હતી. કતારના અમીર સાથેની મુલાકાતમાં મોદીએ પૂર્વ અધિકારીઓનો મુદ્દો ઉઠાવ્યો હતો. ભૂતપૂર્વ દરિયાઈ સૈનિકોના મુદ્દા પર, વિદેશ પ્રધાન એસ જયશંકર પણ તેમના પરિવારના સભ્યોને મળ્યા હતા અને તેમને તમામ શક્ય મદદની ખાતરી આપી હતી. 

ભારત પરત ફરેલા નૌકાદળના એક ભૂતપૂર્વ અધિકારીએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તક્ષેપ વિના તેમની મુક્તિ શક્ય હોત. દિલ્હી એરપોર્ટ પર ઉતર્યા બાદ તેમણે `ભારત માતા કી જય'ના નારા લગાવ્યા હતા. તમામ પૂર્વ અધિકારીઓએ વડા પ્રધાન મોદી અને કતારના અમીરનો પણ આભાર માન્યો હતો. એક ભૂતપૂર્વ અધિકારીએ કહ્યું કે, ભારત સરકારના પ્રયત્નો વિના તેમની મુક્તિ શક્ય હોત. 

કતારમાંથી મુક્ત કરાયેલા આઠ ભૂતપૂર્વ નૌસૈનિક 

આઠ ભૂતપૂર્વ ભારતીય નૌકાદળના કર્મચારીઓ - કેપ્ટન નવતેજાસિંહ ગિલ, કેપ્ટન સૌરભ વશિષ્ઠ, કમાન્ડર પૂર્ણેન્દુ તિવારી, કેપ્ટન બિરેન્દ્ર કુમાર વર્મા, કમાન્ડર સુગુનાકર પાકલા, કમાન્ડર સંજીવ ગુપ્તા, કમાન્ડર અમિત નાગપાલ અને નાવિક રાગેશ.

ઇઝરાયલ માટે જાસૂસી કરવાનો આરોપ 

8 ભારતીય ઓફિસર પર ઇઝરાયલ માટે જાસૂસી કરવાનો આરોપ હતો. લોકો પર કતારના સબમરીન પ્રોજેક્ટ સાથે જોડાયેલી માહિતી ઇઝરાયલને આપવાનો આરોપ હતો. 

જો કે, કતારે ક્યારેય આરોપો જાહેર કર્યા નથી. 30 ઓક્ટોબરે જવાનોના પરિવારોએ વિદેશ પ્રધાન એસ જયશંકર સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ ભારતે કતારને મનાવવા માટે તુર્કીની મદદ લેવાનો પ્રયાસ કર્યો હતો. તુર્કિયેના કતારના શાહી પરિવાર સાથે સારા સંબંધો છે.