• સોમવાર, 04 માર્ચ, 2024

નીતિશકુમાર વિશ્વાસમતની અગ્નિપરીક્ષામાં સફળ  

વિપક્ષનું વોકઆઉટ, વિરોધમાં એક પણ મત નહીં, સમર્થનમાં 129 મત

પટણા, તા. 12 :છેલ્લા 14 દિવસથી  દેશભરમાં ચર્ચા, કાવા, દાવા, રાજકીય રસ્સાખેંચના અંતે આખરે આજે સોમવારે બિહારની વિધાનસભામાં નીતીશકુમારની સરકાર વિશ્વાસ મતની અગ્નિ પરીક્ષામાં સફળતાપૂર્વક પાર પાડી હતી.

 મતદાન શરૂ થવા પહેલાં વિપક્ષ વોકઆઉટ કરી ગયા પછી નીતીશના સમર્થનમાં 129 મત પડયા હતા અને વિપક્ષમાં એક પણ મત પડયો હતો.

અગાઉ વિશ્વાસમત પ્રસ્તાવ પર ચર્ચા દરમ્યાન ગૃહમાં મુખ્ય પ્રધાન બોલવા માટે ઉભા થતાંની સાથે રાજદના ધારાસભ્યો હોબાળો કરવા લાગ્યા હતા. 

નીતીશે ગુસ્સાભેર કહ્યું કે, મને કોઈ સાંભળવા માગતા નથી તો મતદાન કરાવો. તેમણે એવી પણ ચેતવણી આપી હતી કે `ખેલા' કરનાર અને ધારાસભ્યોને ગાયબ કરનારાઓને અમે છોડવાના નથી.

વિશ્વાસ મત પૂર્વે સ્પીકર અવધ બિહારી ચૌધરીને અવિશ્વાસ પ્રસ્તાવ પસાર કરી હટાવી દેવાયા હતા. પ્રસ્તાવના પક્ષમાં 125 મતને વિરોધમાં 112 મત પડયા હતા. 

બિહારના પુર્વ નાયબ મુખ્ય પ્રધાન અને રાજ્યસભા સાંસદ સુશીલ કુમાર મોદીએ કહ્યું હતું કે, ધારાસભ્યોની સોદાબાજી કરીને `ખેલા' કરવાના દાવપેચને પછાળી મળી છે. આખરે 17 મહીનાના રાહુકાળમાંથી ઉગરતાં રાજ્યની જનતા રાહતનો શ્વાસ લઈ શકશે.

એકજુટ એનડીએ જોડાણ હેઠળ બહુમત પૂરવાર કરવા બદલ મુખ્ય પ્રધાન નીતીશકુમારને અભિનંદન સાથે ભાજપ કાર્યાલયમાં પણ જીતની ઉજવણી કરાઈ હતી. 

બીજી તરફ `ખેલ' ઊંધો પડતાં વ્યથિત પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન તેજસ્વી યાદવે પહાર કરતાં એવો સવાલ ઉઠયો હતો કે, મુખ્ય પ્રધાન ફરી પલટી જશે કે નહીં તે મોદીજીની ગેરંટી વાળા કહેશે ખરા.

ભાજપે `ભારતરત્ન'ને સોદો બનાવી નાખ્યો છે. આપ અમારી સાથે આવો અને આપને ભારતરત્ન આપીશું તેવા પ્રહાર તેજસ્વીએ કર્યા હતા. 

દરમ્યાન જેડી-યુ ધારાસભ્ય સુધાંશુ શેખરે મહાજોડાણના પક્ષમાં મત આપવા માટે મને 10 કરોડ રૂપિયાની ઓફર કરાઈ હતી તેવો આરોપ સામે એફઆઈઆર નોંધાવી હતી.