• સોમવાર, 04 માર્ચ, 2024

જાન્યુઆરીમાં રિટેલ ફુગાવો ઘટીને 5.1 ટકા થયો  

ખાદ્ય પદાર્થોના ભાવ ઘટતાં

ડિસેમ્બર 2023માં ઔદ્યોગિક ઉત્પાદન વધ્યું

નવી દિલ્હી, તા. 12 (એજન્સી) : જાન્યુઆરી મહિનામાં દેશનો રિટેલ ફુગાવો (મોંઘવારી) ઘટીને 5.1 ટકા થયો હોવાનું કેન્દ્રના આંકડા મંત્રાલયે સોમવારે જણાવ્યું છે. ગત ડિસેમ્બર 2023માં રિટેલ ફુગાવો 5.69 ટકા થયો હતો.ખાદ્ય પદાર્થોના ભાવમાં આવેલી નરમાઈના કારણે રિટેલ ફુગાવો વાર્ષિક ધોરણે જાન્યુઆરી 2024માં ઘટયો હોવાનું મંત્રાલયે જણાવ્યું હતું. ખાદ્ય પદાર્થોનો ફુગાવો જાન્યુઆરીમાં ઘટીને 8.3 ટકા થયો હતો જે તેના ગત વર્ષે સમાન ગાળામાં 9.5 ટકા હતો.

સાથે ડિસેમ્બર 2023માં ઔદ્યોગિક ઉત્પાદન 3.80 ટકા વધ્યું હતું. જે નવેમ્બર 2023માં 2.4 ટકા હતું. અર્થશાત્રીઓએ ડિસેમ્બર 2023માં ઔદ્યોગિક ઉત્પાદન 2.8 ટકાના દરે વધવાનો અંદાજ વ્યક્ત કર્યો હતો, તે કરતાં ઉત્પાદન વધ્યું હતું.

તે સાથે મેન્યુફેકચરિંગ ઉત્પાદન પણ ડિસેમ્બર 2023માં 3.9 વધ્યું હતું. જે તેના પાછલા મહિને 1.2 ટકાના દરે વધ્યું હતું. આજે રિટેલ ફુગાવો ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં અનુક્રમે 5.34 ટકા અને 4.92 ટકા આવ્યો હતો.

ડિસેમ્બર 2023માં ખાદ્ય પદાર્થોનો ફુગાવો 9.35 ટકા હતો જે જાન્યુઆરી 2024માં ઘટીને 8.30 ટકા થયો હતો.

શાકભાજીના ભાવ ડિસેમ્બરમાં ફુગાવો 27.64 ટકા હતો તે જાન્યુઆરીમાં સહેજ ઘટીને 27.03 ટકા થયો હતો.

રિટેલ ફુગાવો આરબીઆઈની ટકાની ટોચ મર્યાદા કરતાં ઓછો છે, પરંતુ ચાર ટકાથી નીચે આવવાના લક્ષ્ય કરતાં હજી વધારે હોવાથી આરબીઆઈએ ધિરાણદરો 6.5 ટકાના દરે જાળવી રાખ્યા હતા.