• સોમવાર, 04 માર્ચ, 2024

આઇપીએલની ફાઇનલ દરમિયાન એશિયા કપની પાકિસ્તાનની યજમાની પર નિર્ણય લેવાશે 

બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને શ્રીલંકા ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ હાજર રહેશે

નવી દિલ્હી, તા.25: આઇપીએલનો ફાઇનલ મેચ અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રવિવારે રમાવાનો છે. આ મેચ જોવા માટે બાંગલાદેશ, અફઘાનિસ્તાન અને શ્રીલંકા ક્રિકેટ બોર્ડના અધ્યક્ષો ખાસ ઉપસ્થિત રહેશે. જે બારામાં બીસીસીઆઇના સેક્રેટરી જય શાહે જણાવ્યું કે આગામી એશિયા કપની યજમાની સંબંધે કોઇ આખરી નિર્ણય લેવાયો નથી. શ્રીલંકા, અફઘાનિસ્તાન અને શ્રીલંકા ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ આઇપીએલનો ફાઇનલ જોવા આવી રહ્યા છે. એ દરમિયાન અમે એશિયા કપ વિશે ચર્ચા કરશું અને ઉચિત સમય પર આખરી નિર્ણય લેશું. 

એશિયા કપની યજમાની પાકિસ્તાન પાસે છે. બીસીસીઆઇએ અગાઉ જ સાફ કરી દીધું છે કે ભારતીય ટીમ પાક. પ્રવાસ ખેડશે નહીં. આ સામે પીસીબીએ હાઇબ્રિડ મોડેલ મુક્યું છે. જેમાં ભારતના મેચ પાક. બહાર રમાડવાની યોજના છે. ફાઇનલમાં જો ભારત પહોંચે તો એ પણ પાક. બહાર રમાશે. તેમ પીસીબી કહે છે. પીસીબીના આ હાઇબ્રિડ મોડેલને એશિયાના અન્ય સદસ્ય દેશો નકારી ચૂકયા છે. એવામાં એશિયા કપ પાકિસ્તાન બહાર અન્ય કોઇ તટસ્થ દેશમાં રમાઇ શકે છે.