• રવિવાર, 14 એપ્રિલ, 2024

પહેલી ટેસ્ટમાં ન્યૂ ઝીલૅન્ડ સામે અૉસ્ટ્રેલિયા 217 રને આગળ  

ગ્રીન અને હેઝલવૂડ વચ્ચે 10મી વિકેટ માટે 116 રનની ભાગીદારી

ગ્રીનના અણનમ 174 : કિવિઝ ટીમ 179 રનમાં ડૂલ : બીજા દાવમાં કાંગારૂએ 13 રનમાં બે વિકેટ ગુમાવી 

વેલિંગ્ટન, તા.1: ઓલરાઉન્ડર કેમરૂન ગ્રીનની 174 રનની અણનમ ઇનિંગ અને જોશ હેઝલવૂડ સાથેની 10મી વિકેટની 116 રનની વિક્રમી ભાગીદારીથી પહેલા ટેસ્ટમાં ન્યુઝીલેન્ડ વિરુદ્ધ ઓસ્ટ્રેલિયાએ 383 રનનો મજબૂત સ્કોર બનાવ્યો હતો. પછી ન્યુઝીલેન્ડની ટીમનો પહેલા દાવમાં 179 રનમાં ધબડકો થયો હતો. આથી ઓસ્ટ્રેલિયાને 204 રનની મોટી સરસાઇ મળી હતી. જો કે આજની બીજા દિવસની રમતના અંતે કિવિઝે વળતો પ્રહાર કરીને કાંગારૂની બીજા દાવમાં 13 રનમાં બે વિકેટ ખેડવી દીધી હતી. આથી ઓસ્ટ્રેલિયા હવે 217 રને આગળ છે અને 8 વિકેટ હાથમાં છે. આથી મેચ પર હજુ પણ તેની પકડ છે. આજે બીજા દિવસે 13 વિકેટનો કડુસલો થયો હતો.

ઓસ્ટ્રેલિયાએ આજે તેનો પહેલો દાવ 9 વિકેટે 279 રનથી આગળ વધાર્યોં હતો. અંતિમ વિકેટના રૂપમાં કેમરૂન ગ્રીન અને હેઝલવૂડે કિવિઝ બોલરોને હંફાવીને રેકોર્ડ 116 રનની ભાગીદારી કરી હતી. અંતિમ વિકેટના રૂપમાં ઓસ્ટ્રેલિયા તરફથી ચોથી મોટી ભાગીદારી છે. હેઝલવૂડ 62 દડામાં 22 રને આઉટ થયો હતો. આથી ઓસ્ટ્રેલિયાની ઇનિંગ 383 રને સમાપ્ત થઇ હતી. ગ્રીન 275 દડામાં 23 ચોકકા- છકકાથી 174 રને નોટઆઉટ રહ્યો હતો. કિવિઝ તરફથી મેટ હેનરીએ 5 વિકેટ લીધી હતી.

ન્યુઝીલેન્ડ તરફથી ફક્ત ગ્લેન ફિલિપે 71 અને પૂછડિયા મેટ હેનરીએ 41 રનની ઇનિંગ રમી હતી. સ્ટાર બેટર કેન વિલિયમ્સન ઝીરોમાં રનઆઉટ થયો હતો. રચિન રવીન્દ્રે પણ મીંડું મુકાવ્યું હતું. ઓસિ. તરફથી નાથન લિયોને 4 અને હેઝલવૂડે 2 વિકેટ લીધી હતી. કિવિઝ ટીમ 179 રને ઓલઆઉટ થઇ હતી.

બીજા દાવમાં ઓસ્ટ્રેલિયાનો નબળો પ્રારંભ થયો હતો. સ્મિથ (0) અને લાબુશેન (2) આઉટ થયા હતા અને 13 રનમાં 2 વિકેટ ગુમાવી હતી. બન્ને વિકેટ કિવિઝ કપ્તાન સાઉધીએ લીધી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ