• રવિવાર, 14 એપ્રિલ, 2024

આજથી રણજી ટ્રૉફી સેમિ ફાઇનલ : મુંબઇ સામે તામિલનાડુ  

અને વિદર્ભ વિરુદ્ધ મધ્યપ્રદેશની ટક્કર

મુંબઇ ટીમમાં સામેલ શ્રેયસ અય્યરના દેખાવ પર તમામની નજર 

મુંબઇ/નાગપુર, તા.1: રણજી ટ્રોફીના સેમિ ફાઇનલ મુકાબલામાં આવતીકાલ શનિવારથી 41 વખતની ચેમ્પિયન મુંબઇ સામે તામિલનાડુ હશે. જ્યારે મધ્યપ્રદેશની ટીમ વિદર્ભ વિરુદ્ધ મેદાનમાં ઉતરશે. વિજેતા ટીમ વચ્ચે તા. 10 માર્ચે ફાઇનલ મુકાબલો રમાશે.

ખરાબ સમયમાંથી પસાર થઇ રહેલ શ્રેયસ અય્યરની મુંબઇ ટીમમાં વાપસી થઇ છે. તામિલનાડુ સામેના સેમિ ફાઇનલમાં તેના દેખાવ પર તમામની નજર રહેશે. ભારતીય ટીમની બહાર અય્યરે રણજી ટ્રોફીનો કવાર્ટર ફાઇનલ મેચ રમ્યો હતો. આથી તેને બીસીસીઆઇનો સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ ગુમાવવો પડયો છે. તામિલનાડુની સ્પિન બોલિંગ મજબૂત છે. તેનો કેપ્ટન સાઇ કિશોર સીઝનમાં 47 વિકેટ લઇ ચૂકયો છે. જ્યારે બીજા સ્પિનર અજિત રામે 41 વિકેટ લીધી છે. મુંબઇનો કોઇ બોલર ટોપ ટેનમાં નથી.

ટીમનો કપ્તાન રહાણે આઉટ ઓફ ફોર્મ છે અને પાછલા 6 મેચમાં ફકત એક અર્ધસદી કરી શકયો છે. મુંબઇ તરફથી કવાર્ટર ફાઇનલમાં યુવા મુશીર ખાને બેવડી સદી ફટકારી હતી. મુશીર, પૃથ્વી શો અને શ્રેયસ અય્યર પર મુંબઇની બેટિંગનો આધાર રહેશે. મુંબઇ તરફથી પાછલા મેચમાં તુષાર દેશપાંડે અને તનુષ કોટિયાને 10 અને 11મા ક્રમે બેટિંગમાં આવી સદી કરી હતી. તામિલનાડુની ટીમ ગત ચેમ્પિયન સૌરાષ્ટ્રને હાર આપી સેમિમાં પહોંચી છે. એન. જગદીશન સીઝનમાં 821 રન કરી ચૂકયો છે.

બીજા સેમિ ફાઈનલમાં બે વખતની ચેમ્પિયન વિદર્ભની ટક્કર મધ્યપ્રદેશ સામે થશે. વિદર્ભની મુખ્ય તાકાત મજબૂત બેટિંગ લાઇનઅપ છે. કરુણ નાયર 515, ધ્રુવ શોરે 496, અથર્વ તાયડે 488 અને કપ્તાન અક્ષય વાડકર 452 રન કરી ચૂકયા છે. નાગપુરની પિચ બેટધરોને મદદગાર રહે છે. મધ્યપ્રદેશ માટે વેંકટેશ અય્યર મહત્ત્વનો ખેલાડી બની રહેશે. તે 528 રન કરી ચૂક્યો છે. હિમાંશુ મંત્રીએ 513 અને યશ દુબેએ 501 રન બનાવ્યા છે. બોલિંગમાં સ્પિનર કુમાર કાર્તિકેય 38 વિકેટ લઇ ચૂક્યો છે. મધ્યપ્રદેશ પાસે ચંદ્રકાંત પંડિતના રૂપમાં કુશળ કોચ છે. જે 2018 અને 2019માં વિદર્ભને ચેમ્પિયન બનાવી ચૂક્યા છે.

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ