• શનિવાર, 20 એપ્રિલ, 2024

મુંબઈ અને લખનઊ વચ્ચે આજે એલિમિનેટર મુકાબલો  

વિજેતા ટીમ ફાઇનલ ભણી આગળ વધશે : પરાજિત ટીમ આઇપીએલની બહાર થશે

ચેન્નાઇ, તા.23: આઇપીએલ-2023 સિઝનના પ્લેઓફ રાઉન્ડના બુધવારે રમાનાર એલિમિનેટર મેચમાં પોઇન્ટ ટેબલ પરની ત્રીજા નંબરની ટીમ લખનઉ સુપર જાયન્ટ્સ (17 પોઇન્ટ) અને મુંબઈ ઇન્ડિયન્સ (16 પોઇન્ટ) આમને સામને હશે. બન્ને ટીમ માટે આ ક્વાર્ટર ફાઇનલ જેવી ટકકર બની રહેશે. જે ટીમ હારશે તે આઇપીએલમાંથી આઉટ થશે જ્યારે વિજેતા ટીમ કવોલીફાયર-1ની પરાજીત ટીમ વિરુદ્ધ ફાઇનલમાં પહોંચવા ટકરાશે. કાગળ પર મુંબઈની ટીમ મજબૂત છે જ્યારે લખનઉની ટીમ આંચકો આપવા સક્ષમ છે.

બેટધરોના ફોર્મથી વાપસી કરીને પ્લેઓફમાં પહોંચનાર મુંબઈ ઇન્ડિયન્સ એલિમિનેટર મેચમાં આત્મવિશ્વાસ સાથે ઉતરશે. ગત સિઝનમાં રોહિત શર્માની ટીમ તળિયે હતી પણ આ વખતે શાનદાર પુનરાગમન કરવામાં સફળ રહી છે. હવે તેની નજર છઠ્ઠી વખત આઇપીએલ ટ્રોફી જીતવા પર છે. બીજી તરફ લખનઉની ટીમ ગત સિઝનમાં એલિમિનેટરમાં જ આરસીબી સામે હારી હતી. તેનું લક્ષ્ય આ વખતે આગળ વધવા પર હશે. 

નિયમિત કપ્તાન કેએલ રાહુલની ગેરહાજરી લખનઉની ટીમને જરૂર પડી છે. આથી ટીમનું સંતુલન થોડું બગડી ગયું છે. આમ છતાં ઉપલબ્ધ વિકલ્પોનો કામચલાઉ સુકાની કુણાલ પંડયા સારો ઉપયોગ કરી રહ્યો છે. 

સુપર જાયન્ટ્સને ફરી એકવાર તેના બે ધાકડ બેટધર માર્કસ સ્ટોઇનિસ અને નિકોલસ પૂરન પાસેથી વિસ્ફોટક ઇનિંગની આશા રહેશે. જયારે કિવંટન ડિ'કોક અને કાઇલ મેયર્સ પાસેથી આક્રમક શરૂઆત જરૂરી બની રહેશે. ટીમની ચિંતા દીપક હુડ્ડાનું કંગાળ ફોર્મ છે. યુવા પ્રેરક માંકડ અને આયુષ બદોની પાસે છાપ છોડવાની તક બની રહેશે જ્યારે કપ્તાન કુણાલ પંડયાનો ઓલરાઉન્ડ રોલ મહત્ત્વનો બની રહેશે.

મુંબઈની ટીમે તેના પાછલા મેચમાં હૈદરાબાદને હાર આપી હતી. આ મેચમાં કેમરૂન ગ્રીને સદી કરી હતી. 

મુંબઈ માટે લખઉની બાધા પાર કરવાની જવાબદારી કપ્તાન રોહિત શર્મા, ઇશાન કિશન, સૂર્યકુમાર યાદવ, કેમરૂન ગ્રીન પર રહેશે. તેમને રોકવાની ફરજ લખનઉ તરફથી રવિ બિશ્નોઇ અને આવશે ખાન પર વિશેષ રહેશે જ્યારે મુંબઈને તેના અનુભવી સ્પિનર પીયૂષ ચાવલા પાસેથી સારા દેખાવની આશા રહેશે.