• સોમવાર, 20 મે, 2024

ચૅમ્પિયન ઇંગ્લૅન્ડ લગભગ સેમિની બહાર : શ્રીલંકાનો 8 વિકેટે વિજય   

ઇંગ્લૅન્ડનો 156 રનમાં ધબડકો: શ્રીલંકાએ 25.4 ઓવરમાં 2 વિકેટે 160 રન કરીને જીત મેળવી : 

પોઇન્ટ ટેબલ પર પાક.ને ખસેડી શ્રીલંકા પાંચમા ક્રમે : ઇંગ્લૅન્ડ નવમા નંબરે લટક્યું

બેંગ્લુરુ, તા.26 : વર્તમાન વર્લ્ડ ચેમ્પિયન ઇંગ્લેન્ડ વન ડે વર્લ્ડ કપની લગભગ બહાર થઈ ગયું છે. આજના નિર્ણાયક સમાન મેચમાં ઇંગ્લેન્ડ સામે શ્રીલંકાનો 8 વિકેટે શાનદાર વિજય થયો છે. વર્લ્ડ કપમાં શ્રીલંકાએ ઇંગ્લેન્ડને સતત પાંચમી વખત હારનો સ્વાદ ચખાડયો છે. પાંચ મેચમાં ચોથી હારથી ઇંગ્લેન્ડ માટે હવે સેમિ ફાઇનલના દરવાજા લગભગ બંધ થઈ ચૂક્યા છે. વિશ્વ કપ ઇતિહાસમાં ઇંગ્લેન્ડનો આ અત્યાર સુધીનો સૌથી ખરાબ દેખાવ ગણવામાં આવી રહ્યો છે. આજના મેચમાં ઇંગ્લેન્ડનો ટીમનો ફક્ત 33.2 ઓવરમાં 156 રને ધબડકો થયો હતો. બાદમાં શ્રીલંકાએ 146 દડા બાકી રાખીને 25.4 ઓવરમાં માત્ર બે વિકેટ ગુમાવીને 160 રન કરીને 8 વિકેટે શાનદાર વિજય હાંસલ કર્યો હતો. 35 રનમાં 3 વિકેટ ઝડપનાર શ્રીલંકન બોલર લાહિરુ કુમારા પ્લેયર ઓફ ધ મેચ જાહેર થયો હતો.

પાંચ મેચમાં બીજી જીત મેળવીને શ્રીલંકાની ટીમ પાક. ટીમને ખસેડીને પાંચમા નંબરે પહોંચી છે જ્યારે ચેમ્પિયન ઇંગ્લેન્ડની ટીમ નવમા નંબરે લટકી રહી છે. વર્ષ 1996ના વિશ્વ કપ બાદ ઇંગ્લેન્ડ પહેલીવાર સળંગ ત્રણ મેચ હારી છે.

157 રનના સામાન્ય વિજય લક્ષ્યાંકનો પીછો કરતા શ્રીલંકા તરફથી ઓપનર પથૂમ નિસંકાએ 83 દડામાં 7 ચોક્કા-2 છક્કાથી 77 રનની અણનમ ઇનિંગ અને ચોથા ક્રમના બેટધર સદીરા સમરવિક્રમાએ 54 દડામાં 7 ચોક્કા-1 છક્કાથી 65 રનની અણનમ ઇનિંગ રમી હતી. આ બન્ને વચ્ચે ત્રીજી વિકેટની અતૂટ ભાગીદારીમાં 122 દડામાં 137 રનની વિજયી ભાગીદારી થઈ હતી. કુસલ પરેરા 4 અને કપ્તાન કુસલ મેન્ડિસ 11 રને આઉટ થયા હતા. ઇંગ્લેન્ડ તરફથી બન્ને વિકેટ ડેવિડ વિલિને મળી હતી.

અગાઉ ટોસ જીતીને બેટિંગ પસંદ કરનાર વર્તમાન વિશ્વ વિજેતા ટીમ શ્રીલંકાની બોલિંગ સામે ફક્ત 33.2 ઓવરમાં 156 રનમાં કડડભૂસ થઈ ગઈ હતી. બેંગ્લુરુના એમ. ચિંદમ્બરમ સ્ટેડિયમ પરનો વન ડેમાં પહેલી ઇનિંગમાં આ સૌથી ઓછો સ્કોર છે. ઇંગ્લેન્ડની શરૂઆત તો ઠીકઠાક રહી હતી અને પહેલી વિકેટમાં 39 દડામાં 45 રનની ઝડપી ભાગીદારી થઈ હતી. ઓપનર જોની બેયરસ્ટોએ 31 દડામાં 3 ચોક્કાથી 30 અને ડેવિડ મલાને 25 દડામાં 6 ચોકકાથી 28 રન કર્યા હતા. આ પછી ઇંગ્લેન્ડના બેટધરોની પેવેલિયનમાં પરત ફરવા માટે લાઇન લાગી હતી. જો રૂટ 3, કેપ્ટન જોસ બટલર 8, લિયામ લિવિંગસ્ટોન 1, મોઇન અલી 15, ક્રિસ વોક્સ 0, આદિલ રશિદ 2 અને માર્ક વૂડ 5 રને પેવેલિયનમાં પાછા ફર્યા હતા.

આ દરમિયાન સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સે 73 દડામાં 6 ચોકકાથી 43 રનની લડાયક ઇનિંગ રમીને ઇંગ્લેન્ડનો સ્કોર 156 રને પહોંચાડયો હતો જ્યારે ડેવિડ વિલિ 1 છકકાથી 15 રને નોટઆઉટ રહ્યો હતો. શ્રીલંકા તરફથી લાહિરૂ કુમારાએ સૌથી વધુ 3 વિકેટ લીધી હતી જ્યારે કસુન રંજીતા અને વિશ્વ કપમાં વાપસી કરનાર એન્જલો મેથ્યુસને 2-2 વિકેટ મળી હતી. મહીશ તિક્ષ્ણાએ 1 વિકેટ લીધી હતી.