• સોમવાર, 04 માર્ચ, 2024

ટીમ ઇન્ડિયાનું લક્ષ્ય શ્રેણી કબજે કરવી : આજે ત્રીજી ટી-20 મૅચ

પ્રવાસી ટીમ અૉસ્ટ્રેલિયા પર શ્રેણી જીવંત રાખવાનું દબાણ

ગુવાહાટી, તા.27 : સળંગ બે શાનદાર વિજયથી ઉત્સાહિત યુવા ભારતીય ટીમ આવતીકાલ મંગળવારે ત્રીજા ટી-20 મેચમાં ઓસ્ટ્રેલિયાને વધુ એક હાર આપીને 3-0ની અતૂટ સરસાઈથી શ્રેણી કબજે કરવાના લક્ષ્ય સાથે મેદાનમાં ઉતરશે. આ મેચમાં યુવા મીડલ ઓર્ડર તિલક વર્મા પર સારા દેખાવનું દબાણ રહેશે કારણ કે, અંતિમ બે મેચમાં શ્રેયસ અય્યરની વાપસી થશે અને આ માટે કદાચ તિલક વર્માએ સ્થાન ખાલી કરવું પડી શકે છે. અંતિમ બે મેચમાં અય્યર ટીમનો ઉપકપ્તાન હશે. આથી તેની ઇલેવનમાં એન્ટ્રી નિશ્ચિત હશે. આ સ્થિતિમાં પહેલા બે મેચમાં નિષ્ફળ રહેનાર તિલક વર્મા પર ત્રીજા મેચમાં સારો દેખાવ કરવાનું પ્રેશર રહેશે. બીજી તરફ ઓસ્ટ્રેલિયાની ટીમ બે હારને ભૂલીને શ્રેણી જીવંત રાખવાનો ભરચક્ક પ્રયાસ કરશે. જો કે આ માટે તેના બોલરોએ લાઇન-લેન્થ સુધારવી પડશે. મેચ મંગળવારે સાંજે 7-00 વાગ્યાથી શરૂ થશે. 

ગુવાહાટીના બરસાપારા સ્ટેડિયમની પીચ બેટિંગ માટે અનુકુળ છે. આથી ટોસ જીતનાર ટીમ પહેલો દાવ લઈને 200 ઉપરનો સ્કોર બનાવવા માંગશે. ભારતના યુવા બેટધરો શ્રેણીના બે મેચમાં 36 ચોક્કા અને 24 છક્કા ફટકારી ચૂક્યા છે. ત્રીજા મેચમાં પણ ભારત તરફથી વિસ્ફોટક બેટિંગનો નજારો જોવા મળી શકે છે. યશસ્વી જયસ્વાલ, ઇશાન કિશન, કપ્તાન સૂર્યકુમાર યાદવ અને ફિનિશર રિંકુ સિંહ શાનદાર ફોર્મમાં રમી રહ્યા છે. જો કે ડેથ ઓવર્સમાં ભારતીય બોલરોએ તેમનું પ્રદર્શન સુધરાવું પડશે. ખાસ કરીને અર્શદીપે ધાર બતાવવી પડશે. જોકે ભારતીય બોલરોએ પહેલા મેચમાં 45 અને બીજા મેચમાં 44 ડોટ બોલે ફેંકીને ઓસ્ટ્રેલિયાને ભીંસમાં લેવામાં સફળતા મેળવી હતી.