• સોમવાર, 04 માર્ચ, 2024

વિશ્વ કપ વિજેતા ટીમમાંથી ફક્ત ટ્રેવિડ હેડ જ રોકાશે : અંતિમ બે મૅચમાં નવા ખેલાડી સામેલ 

અચાનક જ અૉસ્ટ્રેલિયાની અડધી ટીમ સ્વદેશ રવાના 

ગુવાહાટી, તા.28 : ભારત સામે ટી-20 શ્રેણી રમી રહેલી ઓસ્ટ્રેલિયાની ટીમના અરધાથી વધુ ખેલાડીઓ ત્રીજા મેચ બાદ સ્વદેશ પરત ફરશે. વિશ્વ કપ વિજેતા ટીમનો એકમાત્ર ખેલાડી ટ્રેવિસ હેડ જ બાકીના બે મેચ માટે ભારતમાં રોકાશે. 

ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે ત્રીજો ટી-20 મેચ ગુવાહાટીમાં છે. જ્યારે ચોથો મેચ તા. 1 ડિસેમ્બરે રાયપૂરમાં અને પાંચમો મેચ 3 ડિસેમ્બરે બેંગ્લુરુમાં રમાશે. 

ઓસ્ટ્રેલિયાની વન ડે વિશ્વ વિજેતા ટીમના 7 ખેલાડી ભારત વિરુદ્ધની ટી-20 શ્રેણી માટે પસંદ થયા હતા. હવે આ સાતમાંથી છ ખેલાડી બાકીના બે મેચમાં રમશે નહીં. 

લેગ સ્પિનર એડમ ઝમ્પા અને બેટસમેન સ્ટીવન સ્મિથ ઓસ્ટ્રેલિયાના રવાના થઇ ગયાના રિપોર્ટ છે. જ્યારે ગ્લેન મેક્સવેલ, માર્કસ સ્ટોઇનિસ, જોશ ઇંગ્લીશ અને સીન એબોટ સહિતના અન્ય કાંગારૂ ખેલાડીઓ મંગળવારના મેચ બાદ ઓસ્ટ્રેલિયા રવાના થશે. 

વિકેટકીપર જોશ ફિલિપ અને બિગ હિટર બેન મેકડરમોટ ઓસ્ટ્રેલિયાની ટીમ સાથે જોડાઇ ગયા છે. જયારે બેન ડવારશુઇસ અને ક્રિસ ગ્રીન રાયપુરમાં ટીમ સાથે જોડાશે. ફાઇનલમાં સદી કરી પ્લેયર ઓફ ધ મેચ બનનાર ટ્રેવિસ હેડ વિશ્વ કપ વિજેતા ઓસ્ટ્રેલિયાની ટીમનો એક માત્ર એવો ખેલાડી છે જે ભારત સામેની ટી-20 શ્રેણીના આખરી બે મેચમાં પણ હશે. 

ઓસ્ટ્રેલિયાની નવી ટીમ: મેથ્યૂ વેડ, જેસન બેહરેનડોર્ફ, ટિમ ડેવિડ, બેન ડાવરશુઇસ, નાથન એલિસ, ક્રિસ ગ્રીન, એરોન હાર્ડી, ટ્રેવિસ હેડ, બેન મેકડોરમોટ, જોશ ફિલિપ, તનવીર સાંઘા અને કેન રિચર્ડસન.