• સોમવાર, 04 માર્ચ, 2024

મેક્સવેલે મૅચ છીનવી : આખરી દડે અૉસ્ટ્રેલિયાનો વિજય

આખરી 12 દડામાં 43 રન કરી ભારતને ત્રીજી ટી-20 મૅચમાં પાંચ વિકેટે હાર આપી

ગુવાહાટી તા.28 : વિશ્વ ક્રિકેટના નંબર વન ફટકાબાજ ગણાતા ગ્લેન મેકસવેલની આતશી સદીથી ભારત સામને ત્રીજા ટી-20 મેચમાં ઓસ્ટ્રેલિયાનો આખરી દડે દિલધડક વિજય થયો હતો. આથી ઓસ્ટ્રેલિયાએ પ મેચની શ્રેણી 1-2થી જીવંત રાખી છે. મેકસવેલે ફકત 48 દડામાં 8 ચોકકા અને 8 છકકાથી અણનમ 104 રન કરીને ભારતના હાથમાંથી મેચ છીનવી લીધો હતો. આખરી ઓવરમાં પ્રસિધ્ધ કૃષ્ણા 21 રનનો બચાવ કરી શકયો ન હતો. જયારે અક્ષર પટેલે ફેંકેલી 19મી ઓવરમાં ઓસ્ટ્રેલિયાએ 22 રન ઝૂડયા હતા. આખરી 12 દડામાં 43 રન કરી ઓસ્ટ્રેલિયાએ રોમાંચક જીત મેળવી હતી. ભારતના 3 વિકેટે 222 રનના જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 20 ઓવરમાં 5 વિકેટે 225 રન કરીને 5 વિકેટે રોચક વિજય મેળવ્યો હતો. મેકસવેલ અને કપ્તાન વેડ (28) વચ્ચે છઠ્ઠી વિકેટમાં 40 દડામાં 90 રનની વિજયી ભાગીદારી થઇ હતી. ઓસ્ટ્રેલિયાની જીતથી ઋતુરાજ ગાયકવાડની સદી 123 રન અણનમ એળે ગયા હતા. પ્રસિધ્ધ કૃષ્ણા 68 રન આપી સૌથી ખર્ચાળ બોલર બન્યો હતો.

223 રનના કઠિન વિજય લક્ષ્યાંકનો પીછો કરતા ઓસ્ટ્રેલિયાએ 26 દડામાં પહેલી વિકેટમાં 47 રનની ભાગીદારી કરીને ઝડપી શરૂઆત કરી હતી. વન ડે વર્લ્ડ કપ ફાઇનલના સદીવીર ટ્રેવિસ હેડે 18 દડામાં 8 સંગીન ચોકકાથી 35 રનની ઇનિંગ રમી હતી. જયારે એરોન હાર્ડી 16 રને આઉટ થયો હતો. જોઈં ઈંગ્લીશ 10 રન જ કરી શકયો હતો. આ પછી અનુભવી મેકસવેલ અને સ્ટોઇનિસ વચ્ચે ચોથી વિકેટમાં 41 દડામાં 60 રનની ભાગીદારી થઇ હતી. અક્ષર પટેલે સ્ટોઇનિસ (17)નો શિકાર કર્યોં હતો. ટિમ ડેવિડ (0)માં રવિ બિશ્નોઇની ગૂગલીમાં કેચ આપીને આઉટ થયો હતો.