• સોમવાર, 04 માર્ચ, 2024

મેક્સવેલની આતશી સદીથી બીજી ટી-20 મૅચમાં વિન્ડિઝ વિરુદ્ધ અૉસ્ટ્રેલિયાનો 34 રને વિજય  

પાંચમી સદી ફટકારી મેક્સવેલે રોહિત શર્માની બરાબરી કરી 

એડિલેડ, તા.11: પ્લેયર ઓફ મેચ ગ્લેન મેક્સવેલની 120 રનની આતશી ઇનિંગની મદદથી બીજા ટી-20 મેચમાં વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ ઓસ્ટ્રેલિયાનો 34 રને શાનદાર વિજય થયો છે. આથી ત્રણ મેચની શ્રેણી કાંગારુ ટીમે 2-0થી કબજે કરી છે. મેકસવેલે પપ દડામાં 12 ચોક્કા અને 8 છક્કાથી 120 રન કરીને રનનું રમખાણ સર્જ્યું હતું. મેક્સવેલે ટી-20 ઇન્ટરનેશનલ મેચમાં પાંચમી સદી કરીને ફોર્મેટમાં સૌથી વધુ સદી કરનાર ભારતીય કપ્તાન રોહિત શર્માની બરાબરી કરી છે. ઉપરાંત તેણે સૌથી ઝડપે ટી-20 ઇન્ટરનેશનલ સદીનો રેકોર્ડ પણ બનાવ્યો છે. ઓસ્ટ્રેલિયાના 4 વિકેટે 241 રનના જવાબમાં વેસ્ટ ઇન્ડિઝના 20 ઓવરમાં 9 વિકેટે 207 રન થયા હતા. મેક્સવેલે ચોથા નંબર પર આવીને 120 રનની સૌથી મોટી ઇનિંગ રમી હતી. પહેલા ભારતના સૂર્યકુમારે ચોથા નંબર પર ઇંગ્લેન્ડ વિરુદ્ધ 2022માં 117 રનની ઇનિંગ રમી હતી. 

ઓસ્ટ્રેલિયા તરફથી આજના મેચમાં વોર્નરે 22 રન કર્યા હતા જ્યારે સ્ટોઇનિસે 2 ચોક્કા-2 છક્કાથી 31 રનની ઝડપી ઇનિંગ રમી હતી. હોલ્ડરને બે વિકેટ મળી હતી. વિન્ડિઝ તરફથી કપ્તાન રોવમેન પોવેલે 36 દડામાં ચોક્કા-4 છક્કાથી 63, આંદ્રે રસેલે 16 દડામાં 4 ચોક્કા-2 છકકાથી 37 અને જેસન હોલ્ડરે 28 રનની અણનમ ઇનિંગ રમી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી હેઝલવૂડે 3 વિકેટ લીધી હતી.