• સોમવાર, 04 માર્ચ, 2024

હાર ભલે મળી, પણ કેટલાક ખેલાડી ભવિષ્યમાં ટીમ ઇન્ડિયામાં હશે  

અન્ડર-19 વર્લ્ડ કપની ભારતીય ટીમના કોચ કાનિટકરને ભરોસો

બેનોની (. આફ્રિકા), તા.12: ભારતના અન્ડર-19 ટીમના કોચ ઋષિકેશ કાનિટકરને ભરોસો છે કે તેની ટીમના કેટલાક ખેલાડીઓ ભવિષ્યમાં ટીમ ઇન્ડિયામાં રમતા જોવા મળશે. પાંચ વખતની ચેમ્પિયન ભારતીય યુવા ટીમને અન્ડર-19 વર્લ્ડ કપના ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 79 રને હાર સહન કરવી પડી હતી. ટૂર્નામેન્ટમાં કપ્તાન ઉદય સહારન, મુશીર ખાન, રાજ લિંબાની, સૌમ્ય પાંડે અને સચિન ધાસે પ્રભાવિત દેખાવ કર્યો છે. તેમણે મુશ્કેલ પરિસ્થિતિમાં પરિપક્વતા બતાવી છે. જે ભારતીય ક્રિકેટ માટે સારો સંકેત છે. 

કપ્તાન ઉદય સહારને એક સદી સાથે 397 રન કર્યા છે. તે કેપ્ટનશીપનાં દબાણમાં સારો દેખાવ કરી જાણે છે. તો મુશીર ખાન જે સફરાજ ખાનનો નાનો ભાઈ છે તેણે બે સદીથી 360 રન કર્યા છે. સચિને ફિનિશની ભૂમિકા બખૂબી નિભાવી છે.

કોચ કાનિટકર કહે છે કે, દર વખતે ઘણા સારા ખેલાડી આવે છે અને ભવિષ્યમાં ટીમ ઇન્ડિયાના સ્ટાર બને છે. મને ભરોસો છે કે આમાંથી કેટલાક ખેલાડી ભવિષ્યમાં સિનિયર ટીમમાં રમશે. ખેલાડીઓ માટે એક શાનદાર ટૂર્નામેન્ટ બની રહી. તેમને ખબર પડી છે કે તેમની પાસે શું આશા હતી અને માટે કેટલા તૈયાર રહેવું જોઈએ.