• સોમવાર, 04 માર્ચ, 2024

રાજકોટમાં ટીમ ઇન્ડિયા માટે અશ્વિન બનશે હુકમનો એક્કો  

રાજકોટની પીચ પર અશ્વિન સૌથી સફળ બૉલર

રાજકોટ, તા.12:  ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પાંચ મેચની શ્રેણીનો ત્રીજો મેચ ગુરુવારથી રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમ પર શરૂ થશે. સ્ટેડિયમ પહેલા સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન નામે હતું. જો કે સ્થાનિક લોકો તેને ખંઢેરી સ્ટેડિયમ તરીકે ઓળખ આપે છે. ખંઢેરી સ્ટેડિયમ પર આજે ટીમ ઇન્ડિયાની સ્વૈછિક નેટ પ્રેક્ટિસ હતી. જે ફરજિયાત નહીં, મરજિયાત હતી. આથી અમુક ખેલાડી અભ્યાસ સત્રમાં જોવા મળ્યા હતા. 

શ્રેણી હાલ 1-1ની બરાબરી પર છે. બન્ને ટીમની નજર રાજકોટ ટેસ્ટ જીતી શ્રેણીમાં 2-1ની સરસાઈ પર હશે. રાજકોટમાં અનુભવી ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન ટીમ ઇન્ડિયા માટે હુકમનો એક્કો બની શકે છે. રાજકોટમાં અશ્વિનનાં નામે એક ખાસ રેકોર્ડ છે. જે જાણીને અંગ્રેજ ક્રિકેટરોને પરસેવો પડી જશે. 

અશ્વિન પાસે આમ પણ એટલી વેરિએશન છે કે હરીફ ટીમના બેટર્સ તેને સમજી શકતા નથી. એમાં વળી અશ્વિનને રાજકોટની પીચ ઘણી માફક આવે છે. અહીં તેના નામે કુલ 9 વિકેટ છે. જે કોઈપણ બોલરથી વધુ છે. રાજકોટમાં અત્યાર સુધી ફક્ત બે ટેસ્ટ મેચ રમાયા છે. પહેલો ટેસ્ટ 2016માં ઇંગ્લેન્ડ વિરુદ્ધ રમાયો હતો અને ડ્રો રહ્યો હતો જ્યારે 2018માં અહીં ભારતે વેસ્ટ ઇન્ડિઝ ટીમને 272 રને કારમી હાર આપી હતી.

અશ્વિનના ખાસ રેકોર્ડનું રાજકોટ સાક્ષી બનશે

અશ્વિન પાસે તેના ફેવરિટ મેદાન પર 500 વિકેટ પૂરી કરવાની પણ નિશ્ચિત સમાન તક છે. તે જાદુઈ આંકડાથી ફક્ત 1 વિકેટ દૂર છે. અશ્વિનની 500 વિકેટનું રાજકોટ સાક્ષી બનશે. 500 વિકેટ લેનાર અશ્વિન ભારતનો બીજો બોલર બની જશે. અગાઉ ઉપલબ્ધિ અનિલ કુંબલે હાંસલ કરી ચૂક્યો છે. અશ્વિન 500 વિકેટ લેનારો દુનિયાનો આઠમો બોલર બનશે.