• સોમવાર, 04 માર્ચ, 2024

ધર્મેન્દ્ર જાડેજાની સ્પિન જાળમાં રાજસ્થાન ફસાયું : સૌરાષ્ટ્રનો વિજય  

306 રનના વિજય લક્ષ્યાંક સામે રાજસ્થાનની ટીમ 87માં ડૂલ

રાજકોટ તા.12: જયપુરના સવાઇ માનસિંહ સ્ટેડિયમ પર રમાયેલ રણજી ટ્રોફી એલિટ ગ્રુપના મેચમાં રાજસ્થાન સામે 218 રને જોરદાર વિજય હાંસલ કરીને સૌરાષ્ટ્રની ટીમે તેની નોકઆઉટ રાઉન્ડની આશા જીવંત રાખી છે. ધર્મેન્દ્રસિંહ જાડેજાની અદભૂત સ્પિન બોલિંગ સામે રાજસ્થાનની ટીમ 306 રનના વિજય લક્ષ્યાંક સામે 28.4 ઓવરમાં 87 રને ડૂલ થઇ ગઇ હતી. ધર્મેન્દ્ર જાડેજાએ 32 રનમાં 7 વિકેટ ઝડપીને રાજસ્થાનની ટીમને વેરવિખર કરી દીધી હતી. ધર્મેન્દ્રે પહેલા દાવમાં વિકેટ લીધી હતી. આથી મેચમાં તેની કુલ 13 વિકેટ રહી હતી.

રાજસ્થાન સામેની જીતથી સૌરાષ્ટ્રની ટીમ એલિટ ગ્રુપમાં 22 પોઇન્ટ સાથે ત્રીજા સ્થાને આવી ગઇ છે. તેના ખાતામાં 6 મેચમાં 3 જીત, 1 હાર અને 2 ડ્રો મેચ છે. પહેલા સ્થાને વિદર્ભ (27 પોઇન્ટ) અને બીજા સ્થાને હરિયાણા (24) છે. સર્વિસીસ ટીમના પણ સૌરાષ્ટ્ર જેટલા 22 અંક છે અને ચોથા નંબર પર છે.

આજે સૌરાષ્ટ્રે તેનો બીજો દાવ 6 વિકેટે 234 રને ડિકલેર કર્યોં હતો. અર્પિત વસાવડા 111 દડામાં 8 ચોકકાથી 74 રને નોટઆઉટ રહ્યો હતો. શેલ્ડન જેકસને 49 રન કર્યાં હતા. રાજસ્થાન ટીમ 306 રનના વિજય લક્ષ્યાંકનો પીછો કરતા એક સમયે બે વિકેટે 56 રને પર હતી પછી બાકીની 8 વિકેટ 31 રનમાં ગુમાવી હતી. આથી પૂરી ટીમ 87 રને ઓલઆઉટ થઇ ગઇ હતી અને સૌરાષ્ટ્રનો 218 રને વિજય થયો હતો. ધર્મેન્દ્રની 7 વિકેટ ઉપરાંત યુવરાજ ડોડિયાએ 3 વિકેટ લીધી હતી.