• રવિવાર, 14 એપ્રિલ, 2024

પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજનાને કેન્દ્રની મંજૂરી   

મહિને 300 યુનિટ ફ્રી વીજળી, વર્ષે રૂા. 15,000ની કમાણી

આનંદ કે. વ્યાસ તરફથી

નવી દિલ્હી, તા.29 : કેન્દ્ર સરકારે પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજનાને મંજૂરી આપતાં રૂા.75000 કરોડનું બજેટ ફાળવ્યું છે. યોજના અંતર્ગત દેશમાં 1 કરોડ ઘરોમાં સોલર પ્લાન્ટ લગાવવામાં આવશે. સરકાર દરેક પરિવારને રૂા.78000 સબસીડી આપશે તથા યોજનામાં સામેલ પરિવારને મહિને 300 યુનિટ ફ્રી વીજળી સાથે વર્ષે રૂા.15000 જેટલી આવક પણ થશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્રીય પ્રધાનમંડળે ગુરુવારે `પીએમ સૂર્ય ઘર મુફ્ત બિજલી યોજના'ને મંજૂરી આપી. કેન્દ્રીય સૂચના અને પ્રસારણ પ્રધાન અનુરાગ ઠાકુરે જણાવ્યું કે યોજના હેઠળ દેશમાં એક કરોડ ઘર પર રૂફટૉપ સોલર પૅનલ લગાડવામાં આવશે. એનાથી એક કરોડ ઘરને 300 યુનિટ વીજળી નિ:શુલ્ક મળશે. ઉપરાંત વાર્ષિક રૂા. 15,000ની આવક પણ થશે. સરકાર બે કિલોવૉટ સુધીના સોલાર પ્લાન્ટ માટે 60 ટકા સબસિડી આપશે, પછી વધુ એક કિલોવૉટ વધારવા હોય તો 40 ટકા સબસિડી આપવામાં આવશે. સોલર પ્લાન્ટ લગાડવા માટે દરેક પરિવારને લગભગ રૂા. 78,000  સબસિડી તરીકે મળશે. એટલે કે એક કિલોવૉટ ક્ષમતાના પ્લાન્ટ માટે રૂા. 30,000 અને બે કિલોવૉટ ક્ષમતાના પ્લાન્ટ માટે રૂા. 60,000 સબસિડી તરીકે મળશે. 

કેન્દ્રિય પ્રધાન અનુરાગ ઠાકુરે સરકારના નિર્ણય અંગે વિગતો જાહેર કરતાં જણાવ્યું કે પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજનાને આજે મંજૂરી આપવામાં આવી છે જેમાં એક કરોડ પરિવારને દર મહિને 300 યુનિટ ફ્રી વીજળી મળી શકશે. પ્રતિ એક કિલો વોટ સિસ્ટમ પર પ્રત્યેક પરિવારને રૂ.30 તથા કિલોવોટ સિસ્ટમ હેઠળ 60 હજાર સબસીડી મળશે. કોઈ પણ પરિવાર નેશનલ પોર્ટલ પર જઈને સબસીડી માટે અરજી કરી શકે છે. તથા યોજનામાં કોઈ પણ વેન્ડરને સોલર રુફ ટોપ માટે પસંદ કરી શકાય છે. ઉપરાંત ઓછા વ્યાજે લોન પણ મળી શકશે. યોજના હેઠળ પ્રત્યેક જિલ્લામાં મોડલ સોલર સ્કિમ ઘડવામાં આવશે. ગ્રામીણ વિસ્તારોમાં યોજના વિશે લોકોને જાગૃત કરવામાં આવશે. યોજનાની બજેટમાં જાહેરાત કરવામાં આવી હતી.

યોજના માટે રૂા. 75,000ના બજેટને મંજૂરી આપવામાં આવી. આરડબ્લ્યુએ અથવા ગ્રુપ હાઉસિંગ સોસાયટી કૉમન લાઈટિંગ અથવા ઈલેક્ટ્રિક વેહિકલ માટે ચાર્જર માટે પ્લાન્ટ લગાડવો હોય તો માટે 500 કિલોવૉટ માટે કિલોવૉટ દીઠ રૂા. 18,000ની સબસિડી આપવામાં આવશે. રૂફટૉપ સોલાર માટે સસ્તા વ્યાજદરે લોન મળશે. માટે ફક્ત રેપો રેટ ઉપર 0.5 ટકાનો વ્યાજદર રાખવામાં આવશે. તાજેતરમાં વડા પ્રધાને નાગરિકોને દર મહિને 300 યુનિટ સુધી મફત વીજળી પ્રદાન કરવા માટે `પીએમ સૂર્ય ઘર મુફ્ત બિજલી યોજના'ની જાહેરાત કરી હતી. વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે યોજનાને લોકપ્રિય બનાવવા માટે શહેરની પાલિકાઓ અને પંચાયતોને પોતાના અધિકાર ક્ષેત્રમાં રૂફટૉપ સોલાર પૅનલ બેસાડવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે. વડા પ્રધાને સૌર ઊર્જાને પ્રોત્સાહન આપવા તમામ રહેવાસી ગ્રાહકો, ખાસ કરીને યુવાનોને ઙખ જીyિફલવફિ.લજ્ઞદ.શક્ષ પર અરજી કરીને યોજનાને સુદૃઢ કરવાનો આગ્રહ ર્ક્યો છે. યોજના કેન્દ્ર સરકાર દ્વારા સ્પોન્સર્ડ યોજના હોવાથી તમામ સબસિડીની ચુકવણી કેન્દ્ર સરકાર કરશે.

યોજનામાં સોલર પ્લાન્ટની વધારાની વીજળી લાભાર્થી પરિવારો વીજ કંપનીઓને વેંચીને વધારાની કમાણી કરી શકશે. યોજનાથી રહેણાંક વિસ્તારોમાં સોલર પ્લાન્ટથી 30 ગીગાવોટ જેટલી વીજળી ઉત્પન્ન થશે. જેથી કાર્બન ઉત્સર્જનમાં આગામી રપ વર્ષમાં 720 મિલિટન ટન સુધી ઘટાડો થશે. યોજનામાં 17 લાખ રોજગાર મેન્યુફેકચરિંગ, લોજિસ્ટિકસ, સપ્લાય ચેઈન, સેલ્સ અને અન્ય સેવાઓ મળશે. આરડબલ્યૂએ અથવા ગ્રુપ હાઉસીંગ સોસાયટી, કોમન લાઈટીંગ અથવા ઈલેકટ્રીક વાહનોના માટે ચાર્જર પ્લાન્ટ લગાવવો હોય તો પ્રતિ કિલો વોટ રુ.18000 સબસીડી આપવામાં આવશે.

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ