• રવિવાર, 14 એપ્રિલ, 2024

ફેબ્રુઆરીમાં જીએસટી કલેક્શન 12.5 ટકા ઊછળી રૂા. 1.68 લાખ કરોડ  

આર્થિક વિકાસની ગતિ જળવાઈ રહી હોવાનો સંકેત

નવી દિલ્હી, તા. 1 (એજન્સીસ) : ફેબ્રુઆરી 2024માં દેશમાં ગુડ્સ ઍન્ડ સર્વિસીસ ટૅક્સ (જીએસટી)નું કલેક્શન વાર્ષિક ધોરણે 12.5 ટકા ઊછળી રૂા. 1.68 લાખ કરોડનું થયું હતું જે આર્થિક વિકાસમાં ગતિ જળવાઈ રહી હોવાનો સંકેત આપે છે. સ્થાનિક વ્યવહારોમાંથી જીએસટીના કલેક્શનમાં 13.9 ટકાનો વધારો થયો હતો જ્યારે આયાતી માલ ઉપર જીએસટીનું ક્લેકશન 8.5 ટકા વધતાં કુલ જીએસટી કલેક્શનમાં વાર્ષિક ધોરણે 12.5 ટકાનો વધારો થયો હોવાનું સત્તાવાર યાદીમાં જણાવવામાં આવ્યું છે.

વર્તમાન નાણાવર્ષમાં જીએસટીનું ગ્રોસ કલેક્શન રૂા. 18.40 લાખ કરોડ થયું હતું જે નાણાવર્ષ 2022-23ના સમાનગાળાના કુલ કલેક્શનની તુલનાએ 11.7 ટકા વધુ રહ્યું છે.નાણાવર્ષ 2023-24 માટે સરેરાશ માસિક ગ્રોસ કલેક્શન રૂા. 1.67 લાખ કરોડનું થયું છે જે ગત વર્ષના સમાનગાળા દરમિયાન થયેલા રૂા. 1.5 લાખ કરોડના સરેરાશ માસિક ગ્રોસ કલેક્શન કરતાં વધુ છે.

રિફન્ડ્સને બાદ કરતાં જીએસટીની આવક વર્તમાન નાણાવર્ષમાં રૂા. 16.36 લાખ કરોડની થઈ હતી જે ગત વર્ષના સમાનગાળાની તુલનાએ 13 ટકાનો વૃદ્ધિદર દર્શાવે છે, એમ સત્તાવાર યાદીમાં જણાવવામાં આવ્યું છે.ફેબ્રુઆરી 2024માં સેન્ટ્રલ જીએસટી (સીજીએસટી) દ્વારા રૂા. 31,785 કરોડની આવક થઈ હતી જ્યારે સ્ટેટ જીએસટી (એસજીએસટી) હેઠળ રૂા. 39,615 કરોડની અને આયાતી માલ સહિત ઈન્ટિગ્રેટેડ જીએસટી (આઈજીએસટી)ની કુલ આવક રૂા. 84,098 કરોડની થઈ હતી. સેસ વડે રૂા. 12,839 કરોડ એકત્ર કરવામાં આવ્યા હતા, જેમાં આયાતી માલ ઉપર રૂા. 984 કરોડનું કલેક્શન થયું હતું.

કેન્દ્ર સરકારે આઈજીએસટીના કલેક્શનમાંથી રૂા. 41,856 કરોડનું સેટલમેન્ટ સીજીએસટીને જ્યારે રૂા. 35,953 કરોડનું સેટલમેન્ટ એસજીએસટીને કરવામાં આવ્યું હતું. આમ, સેટલમેન્ટ બાદ સીજીએસટી માટે કુલ આવક રૂા. 73,641 કરોડ અને એસજીએસટી હેઠળ રૂા. 75,569 કરોડની આવક સરકારને થઈ હતી.

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ