• રવિવાર, 14 એપ્રિલ, 2024

તૃણમૂલને મહિલા રક્ષણ કરતા મત વધુ વહાલા : મોદી  

સંદેશખાલી મુદ્દે વડા પ્રધાનનો આક્રોશ

કોલકાતા, તા. 1 : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પશ્ચિમ બંગાળના પ્રવાસ દરમ્યાન મુખ્ય પ્રધાન મમતા બેનરજી અને વિપક્ષનાં ઈન્ડિયા ગઠબંધન ઉપર ધગધગતા ચાબખાં વરસાવ્યા હતાં. વડાપ્રધાનનો પ્રવાસ પણ એવા સમયે યોજાયો છે જ્યારે સંદેશખાલી મુદ્દે ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસ વચ્ચે તણખાં ઝરી રહ્યાં છે. સંદેશખાલી મુદ્દે મોદીએ મમતાને આડેહાથ લેતા કહ્યું હતું કે, તૃણમૂલનાં નેતાને આમાં બચાવવા માટે મમતા બેનરજીની સરકારે પોતાની પૂરી તાકાત લગાડીને જે કરી શકાતું હતું તે કર્યું અને દેશ બધું જોઈ રહ્યો છે. ઈન્ડિયા ગઠબંધનને પણ આમાં ઝપટમાં લેતા મોદીએ કહ્યું હતું કે, સંદેશખાલી મુદ્દે ઈન્ડિયા ગઠબંધનનાં નેતાઓ ચૂપ છે. દેશ આખો દુ:ખી છે પણ વિપક્ષનાં નેતાઓ ગાંધીજીનાં ત્રણ વાંદરાની જેમ આંખ-કાન અને મોઢું બંધ રાખીને બેઠાં રહે છે. હુગલીના આરામ બાગમાં વડાપ્રધાને 7200 કરોડ રૂપિયાથી વધુ મૂલ્યની વિવિધ યોજનાઓની ભેટ આપી હતી.

વડા પ્રધાને કહ્યું હતું કે, તૃણમૂલે પશ્ચિમ બંગાળમાં અત્યાચાર અને ભ્રષ્ટાચારને વધાર્યા છે. દેશની અનેક ઉપલબ્ધીઓ વચ્ચે દેશ બધું જોઈ રહ્યો છે. માં, માટી અને માનુષનાં ઢોલ ટીપનાર તૃણમૂલે સંદેશખાલીમાં બહેનો સાથે જે કર્યું છે તેને જોઈને આખો દેશ આક્રોશિત છે. આગળ તેમણે જનસભાને કહ્યું હતું કે, માતાઓ અને બહેનો સાથે જે કંઈ થયું છે તેનો બદલો તમે લેશો કે નહીં? બંગાળની જનતા મુખ્ય પ્રધાન મમતા દીદીને પૂછે છે કે, શું અમુક લોકોનાં મત તેમનાં માટે બંગાળની મહિલાઓ કરતાં વધુ મહત્વનાં થઈ ગયા છે?

વડા પ્રધાને કહ્યું કે, ભાજપનાં તમામ નેતાઓએ રાત-દિવસ લડાઇ લડી, માતાઓ-બહેનોના સન્માન માટે લડ્યા, લાઠીઓ ખાધી અને મુશ્કેલીઓ વેઠી. આખરે ભાજપના દબાણમાં આવીને કાલે બંગાળ પોલીસે તમારી તાકાત સામે ઝૂકીને આરોપીની ધરપકડ કરવી પડી. મોદીએ કહ્યું, તૃણમૂલનાં રાજમાં, તેમનાં પક્ષનો ગુનેગાર નેતા લગભગ 2 મહિના સુધી ફરાર રહ્યો. કોઇ તો હશે જે તેને બચાવતું હશે. આવી દરેક ચોટનો જવાબ વોટથી આપવાનો છે. તેવું આહ્વાન મોદીએ કર્યું હતું 

કોંગ્રેસ પર સવાલ ઉઠાવતાં તેમણે કહ્યું કે, તેઓ પટના, મુંબઈ અને બેંગ્લોરમાં બેઠકો કરે છે, પરંતુ શું તેમણે બંગાળ સરકાર પાસે ઘટનાઓ વિશે જવાબ માગ્યો? તેમનાથી સંદેશખાલીની બહેનો તરફ જોવાયું પણ નહીં. મોદીએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને પણ આડેહાથ લીધા. તેમણે કહ્યું કે આટલું થયું હોવા છતાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષે કહ્યું કે, છોડો બંગાળમાં તો બધું ચાલતું રહે છે. તેમણે જનતાને પૂછ્યું કે શું બંગાળનું, તેની મહાન પરંપરા, મહાન સંસ્કૃતિ, વીર પુરુષો અને સંસ્કારપ્રિય નાગરિકોનું અપમાન છે કે નહીં? તેમણે અંતે કહ્યું કે, ઈન્ડિયા ગઠબંધન અને કોંગ્રેસની વાસ્તવિકતા છે.  

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ