• સોમવાર, 04 માર્ચ, 2024

વિજ્ઞાનના મૂળ વેદોમાં; પશ્ચિમી દેશોની ઉઠાંતરી

ઈસરો ચીફ સોમનાથનો દાવો

નવી દિલ્હી, તા.25 : અલજેબરા, સ્કવાયર રુટ, સમયનો સિદ્ધાંત, આર્કિટેકચર, મેટાલોજી એટલે સુધી કે અંતરિક્ષ વિજ્ઞાનનો સિદ્ધાંત પણ વેદોથી મળ્યાનો અને પશ્ચિમી દેશોએ માત્ર તેને પોતાની શોધ ગણાવી નકલ કર્યાનો દાવો ઈસરો પ્રમુખ એસ.સોમનાથે કર્યો છે. 

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)ના ચેરમેન એસ.સોમનાથ ઉજ્જૈનમાં મહર્ષિ પાણિની સંસ્કૃત અને વૈદિક યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં સામેલ થયા હતા. દરમિયાન પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે એ સમયના વૈજ્ઞાનિકો દ્વારા સંસ્કૃત ભાષાનો ઉપયોગ કરવામાં આવતો હતો અને તેના કોઈ લેખિત દસ્તાવેજ નથી. લોકો સાંભળીને તેને શિખતાં હતા જેને કારણે આ ભાષા આ જ સુધી બચી શકી છે. અંતરિક્ષ વિજ્ઞાન, ચિકિત્સા, ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન વગેરે સંસ્કૃત ભાષામાં લખાયેલા છે એટલે સુધી કે એવિએશનની સૌપહેલા માહિતી વૈદોમાંથી જ મળી હતી પરંતુ હજુ તેના પર વધુ રિસર્ચ થયુ નથી. એસ.સોમનાથે વધુમાં કહ્યું કે સંસ્કૃત ભાષાનો વૈજ્ઞાનિકોના વિચારોને આગળ વધારવામાં ઉપયોગ થતો હતો.

 કોમ્પ્યુટરની ભાષા પણ સંસ્કૃત છે અને આર્ટિફિશિયલ ઈન્ટેલીજન્સ શીખવા ઈચ્છુકોને સંસ્કૃત ભાષા ઉપયોગી બની શકે છે. સંસ્કૃત ભાષામાં લખાયેલું ભારતીય સાહિત્ય દાર્શનિક રીતે ઘણું સમૃદ્ધ છે. સંસ્કૃતમાં સંસ્કૃતિ, ધર્મ અને વિજ્ઞાનમાં વધુ અંતર નથી.