• સોમવાર, 04 માર્ચ, 2024

આજે વિશ્વાસનો મત; બિહારમાં ઉચાટ

પ્રશિક્ષણ શિબિરમાં ત્રણ સભ્યો નહીં આવતા ભાજપ ચિંતામાં, જેડી-યુ, રાજદ, કૉંગ્રેસનીય વાડાબંધી

પટના, તા. 11 : બિહારમાં આવતીકાલે સોમવારે વિશ્વાસ મત પરીક્ષણ રૂપે નીતીશકુમારની અગ્નિપરીક્ષા પૂર્વે રાજકીય ગરમાવો વધતો જઈ રહ્યો છે. `સત્તાપરીક્ષા'ના એક દિવસ પહેલાં ત્રણ ધારાસભ્ય પ્રશિક્ષણ શિબિરમાં નહીં આવતાં હવે ભાજપની પણ ચિંતા વધી છે. ગેરહાજર રહેલાં રશ્મિ વર્મા તેમનાં સાસુ બીમાર હોવાથી આવી શક્યાં હાવાના વાવડ છે, તો મિશ્રાલાલ યાદવની કોઈ જાણકારી મળી નહોતી.

અન્ય ધારાસભ્ય ભાગીરથી દેવી એક દિવસ પહેલાં ધારાસભ્ય સાથે હતાં, પરંતુ આજે પ્રશિક્ષણ શિબિરમાં સામેલ થયાં નહોતાં. ગયાની હોટલમાં રોકાયેલા ભાજપના તમામ ધારાસભ્યોને બે બસમાં પટના લાવવાની પક્ષે તૈયારી કરી હતી. વિશ્વાસ પૂર્વે ગૃહમંત્રી અમિત શાહે ગયામાં ચાલતી પ્રશિક્ષણ શિબિરને વર્ચ્યુઅલ સંબોધન કર્યું હતું. રાજભવનમાં કાનૂની સલાહકારની આખી ટીમને બદલી દેવાઇ છે.

પોતાના ધારાસભ્ય તૂટે તેની તકેદારીરૂપે રાજદ, કોંગ્રેસ, જેડી-યુ, ભાજપે વાડાબંધી કરી દીધી છે. રાજદ નેતા તેજસ્વી યાદવે પક્ષના તમામ ધારાસભ્યોને ગઇકાલથી પોતાનાં ઘરમાં રોકી રાખ્યા છે.

ના છેડો હમે, હમ સતાએ હુએ હૈ...

અસ્સલ ખેલા હજુ બાકી છે તેવો હુંકાર ભરનાર બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી-આરજેડી નેતા તેજસ્વી યાદવની એક બેઠકનો વીડિયો વાયરલ થયો છે જેમાં પાર્ટીના ધારાસભ્યો સાથે મળી તેઓ ના છેડો હમે, હમ સતાએ હુએ હૈ... ગીત ગાતા જોવા મળે છે. લાલુ યાદવના પુત્ર તેજસ્વીએ આરજેડીના ધારાસભ્યોને તોડજોડથી બચાવવા પોતાનાં નિવાસસ્થાને રોક્યા છે. દરમિયાન તેમનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તેજસ્વી યાદવ પોતાની પાર્ટીના ધારાસભ્યો સાથે રાત્રે બેઠેલા અને ઉપરોક્ત ગીત ગાતા અનોખા અંદાજમાં દેખાય છે. બેઠકમાં આરજેડીના એક ધારાસભ્યએ ગીત છેડયું ઉપસ્થિત સૌએ ઝીલ્યું હતું. 43 સભ્યની વિધાનસભામાં આરજેડીના સૌથી વધુ 79 ધારાસભ્ય છે.

જેડીયૂના 4 ધારાસભ્ય સંપર્ક વિહોણા, મોબાઈલ ફોન બંધ

બિહારમાં નીતિશ સરકારના વિશ્વાસ મત પહેલા તેમની પાર્ટીના 4 ધારાસભ્ય સંપર્ક વિહોણા બનતા ચકચાર મચી છે. તેમના મોબાઈલ ફોન બંધ છે. જેડીયૂએ રવિવારે વિધાનમંડળની બેઠક બોલાવી હતી જેમાં તમામ 4 ધારાસભ્ય હાજર હતા. જે 4 ધારાસભ્યનો સંપર્ક નથી થઈ રહ્યો તે બીમા ભારતી, સુદર્શન, દિલીપ રાય અને રિંકૂ સિંહ હોવાનું સામે આવ્યું છે.