• રવિવાર, 14 એપ્રિલ, 2024

યુકે, યુરોપ સાથે ઉતાવળે મુક્ત વેપાર કરાર નહીં થાય : પીયૂષ ગોયલ  

નવી દિલ્હી, તા. 23 (એજન્સીસ) : વ્યાપાર સોદામાં એકસમાનતા અને વાજબી સમતોલપણું હશે તો ભારત મુક્ત વેપાર કરાર (એફટીએ) પર સહીસિક્કા કરશે, એમ કેન્દ્રીય વેપાર-ઉદ્યોગપ્રધાન પીયૂષ ગોયલે શુક્રવારે જણાવ્યું હતું. અમે વેપારની વાટાઘાટો માટે આંધળી દોટ મૂકશું નહીં. આનું કારણ છે કે આવા કરાર વર્ષો સુધી દેશને અસર કરે છે, એમ ગોયલે સ્વતંત્ર થીન્ક ટેન્ક દ્વારા આયોજિત ઈવેન્ટમાં જણાવ્યું હતું. યુકે અને યુરોપિયન યુનિયન (ઈયુ) જોડેની ભારતની વેપારની વાટાઘાટો વધુ ગૂંચવાડાભરી બની રહી છે. અંગેના પ્રશ્નનો ગોયલ પ્રત્યુત્તર આપી રહ્યા હતા.

ભારત અને યુકે વચ્ચેના મુક્ત વેપાર કરાર 2022 આખર સુધીમાં નક્કી થઈ જવાના હતા, આમ છતાં અંતિમ તારીખ નક્કી થઈ શકતી નહોતી. સોદા અંગેના મતભેદોના કારણે નવ વર્ષની સુસ્તી બાદ 2022માં ભારત અને ઈયુ વચ્ચે પાછી વાટાઘાટો શરૂ થઈ હતી.ભારત અને યુકે વચ્ચેના સોદા નવી દિલ્હી માટે મહત્ત્વના છે. આથી ભારત સૌથી મોટો નિકાસકાર બની જવાની વકી છે. સામે યુકેને ભારતમાં વીસ્કી, પ્રીમિયમ કાર અને કાનૂની સેવા માટે વધુ અવકાશ મળશે.ઈન્ડો-પેસિફિક વિસ્તારમાં ચીનના વધતા પ્રભાવને ખાળવા ભારત અને ઈયુએ 2022માં નવેસરથી વાટાઘાટો શરૂ કરી હતી.

ગોયલે જણાવ્યું હતું કે ઈયુના કાર્બન બોર્ડર એડજસ્ટમેન્ટ ટૅક્સનો મુદ્દો ભારત વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુટીઓ)માં મજબૂતપણે ઉઠાડશે અને ઈસ્યુ અંગે દ્વિપક્ષી રીતે પરિણામ લાવવા પ્રયત્ન કરશે. ડબ્લ્યુટીઓની આગામી મિટિંગ તા. 26થી 29 ફેબ્રુઆરીના અબુધાબીમાં મળનાર છે. તેમાં સ્ટીલ, આયર્ન ઓર, સિમેન્ટની આયાત પર ઈયુના સૂચિત કાર્બન ટૅક્સનો ભારત વિરોધ કરશે.

યુકે દ્વારા માગણીઓમાં વધારો કરવામાં આવી રહ્યો છે, પરંતુ ભારતની બિઝનેસ વિઝાની માગણીને તે પ્રતિસાદ આપી નથી રહ્યું. સાથે ભારતે ટેક્સ્ટાઈલ્સ અને લેધર માટે માર્કેટ એકસેસ ઝીરો ડયુટી સાથે માગી છે.  નાણાં વર્ષ 2023-24માં બન્ને દેશો વચ્ચે વેપાર વધીને 20.36 અબજ ડૉલરનો થયો હતો, જે નાણાં વર્ષ 2022-23માં 17.47 અબજ ડૉલરનો થયો હતો.  જાન્યુઆરી 2022માં બન્ને દેશો વચ્ચે એફટીએ વિશે મંત્રણા શરૂ થઈ હતી અને કુલ 13 રાઉન્ડ પૂરા થયા છે અને 14મો રાઉન્ડ ગયા સપ્તાહે યોજાયો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ