• રવિવાર, 14 એપ્રિલ, 2024

ઝીમાં મોટી રકમની કથિત ગોલમાલથી રોકાણકારો ચિંતિત  

મુંબઈ, તા. 25 : ઝી એન્ટરટેઇનમેન્ટ એન્ટરપ્રાઇઝિસ (ઝી) ચર્ચાના ચોતરે ચડેલી છે. ઝીના સ્થાપકો સુભાષ ચંદ્ર અને પુનિત ગોયેન્કાએ ધાર્યા કરતાં ઘણી મોટી રકમની કથિત ગોલમાલ કરી હોવા બાબતનું રહસ્ય ઘુંટાઈ રહ્યું છે. 12 જૂન, 2023ના રોજ સિક્યોરિટીઝ ઍન્ડ એક્સ્ચેન્જ બોર્ડ અૉફ ઇન્ડિયા (સેબી) જેના ગેરવહીવટની તપાસ માટે આદેશ આપ્યો તેના કરતાં ઘણી મોટી રકમની કથિત ગોલમાલ થઈ હોવાની ચર્ચા ચાલી રહી છે. ઝીના શૅરના ભાવ જે રીતે ઘટી રહ્યા છે તે જોતાં રોકાણકારોને ઝીના હિસાબ-કિતાબમાં કોઈ મોટી ગેરવ્યવસ્થા હોવાનો ભય સતાવી રહ્યો છે.

સિક્યોરિટીઝ એપલેટ ટ્રિબ્યુનલ (સેટ) અૉક્ટોબર 2023ના એક આદેશમાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે સેબીની તપાસમાં બાબત ઘણી ઊંડી હોવાનું જણાવ્યું છે. તે સમયે સેબીએ જણાવ્યું હતું કે ઝીના પ્રમોટરોની માલિકીની તેમના અંકુશ હેઠળની અથવા તેમની સાથે અન્ય રીતે સંકળાયેલી કંપનીઓ દ્વારા આશરે રૂા. 2000 કરોડના સંખ્યાબંધ નાણાકીય વ્યવહારો થયા હતા. તે ઉપરાંત ગોયેન્કા અને તેના પિતાએ અનેક લેટર અૉફ કમ્ફર્ટ આપ્યા હતા, જેમાં ચંદ્રે એસ્સેલ જૂથના અધ્યક્ષ તરીકે આપેલા રૂા. 4210 કરોડના મૂલ્યના એક લેટર અૉફ કમ્ફર્ડ (એલઓસી)નો પણ સમાવેશ થાય છે.

સૂત્રોના જણાવ્યા મુજબ હાલમાં સેબી ઝીની તમામ બાબતોની તપાસ કરી રહી છે અને એપ્રિલના મધ્ય સુધીમાં ફાઇનલ અૉર્ડર આપી શકે છે. સેબીને અગાઉ જાણવા મળ્યું હતું કે ઝીના લગભગ રૂા. 2000 કરોડ અન્યત્ર વાળી દેવામાં આવ્યા હતા. સંજોગોમાં ઝી અને સોનીના જોડાણની નિષ્ફળતાને કારણે પણ રોકાણકારોનું સેન્ટિમેન્ટ ડહોળાઈ ગયું છે.

ઝીએ એક્સ્ચેન્જને આપેલા એક અહેવાલમાં જણાવ્યું હતું કે, સેબીની તપાસમાં કોઈ બાબત બહાર આવી હોય તો તેવી કંપનીને જાણકારી નથી અને અહેવાલોનું ખોટું રિપોર્ટિંગ થયું છે.

ઝીના પ્રમોટરોનું ઝીમાં હોલ્ડિંગ 4 ટકાથી ઓછું છે. 96 ટકા હોલ્ડિંગ જાહેર જનતાનું છે. આક્ષેપો મુજબ ઝી અને તેની સહયોગી કંપનીઓ દ્વારા કંપનીના પ્રમોટરો અને તેમના પરિવારના ફાયદા માટે કંપનીનું ફંડ અન્યત્ર વાળવામાં આવ્યું હતું. સેબીએ પ્રમોટરો વિરુદ્ધ પગલાં લીધાં એટલે ઝી અને સોનીના જોડાણમાં અનિશ્ચિતતા પેદા થઈ. બંને ઇલેક્ટ્રોનિક મિડિયા વચ્ચે સુભાષ ચંદ્રના પુત્ર પુનિત ગોયેન્કાને સંયુક્ત કંપનીના કર્તાહર્તા બનાવવા બાબત પણ વિવાદ થયો હતો.

 

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ