• રવિવાર, 14 એપ્રિલ, 2024

અમેરિકામાં વ્યાજકાપની અનિશ્ચિતતાથી સોનામાં ટૂંકી વધઘટ : ચાંદી ઘટી 

અમારા પ્રતિનિધિ તરફથી 

રાજકોટ, તા. 26 : વૈશ્વિક બજારમાં સોનાનો ભાવ પાછલા સપ્તાહના અંતે બે સપ્તાહની ટોચ પર પહોંચ્યા પછી સ્થિર થઇ ગયો હતો. ન્યૂયોર્કમાં 2032 ડોલરના મથાળે સોનું હતુ અને 22.53 ડોલરના મથાળે ચાંદી રહી હતી. ફંડોની ખરીદી સોમવારે થોડી વધી હતી. અમેરિકી ફેડની મિનિટસ પાછલા સપ્તાહે જાહેર થઇ એમાં હજુ વ્યાજદર લાંબાસમય સુધી ઉંચા રહેશે તેવો સૂર નીકળ્યો હતો. જોકે બજાર એનાથી વિચલિત નથી થઇ પણ મિડલ ઇસ્ટમાં ચાલી રહેલી ભૂરાજાકિય ચિંતાને કારણે થોડી લેવાલી દેખાય છે.  

કરન્સી બજારમાં અમેરિકી ડોલર ત્રણ સપ્તાહની નીચલી સપાટીએ પહોંચ્યા પછી ટકી રહેવા મથી રહ્યો છે. અમેરિકી બોન્ડમાં પણ ખાસ વધઘટ નથી. બીજી તરફ અત્યારે મિડલ ઇસ્ટમાં લશ્કરી હિલચાલ ફરીથી વધી છે અને રશિયા અને યુક્રેન વચ્ચેની લડાઇમાં પણ ચિંતાજનક વળાંકો આવ્યા કરતા હોવાથી સોનાના ભાવમાં મોટું કરેક્શન દેખાતું નથી તેમ અભ્યાસુઓ કહે છે. 

અમેરિકામાં રેટકટની વાત આવે ત્યારે ફુગાવાનું પરિબળ સામે આવી જાય છે એટલે બજારમાં તે અંગે કોઇ સ્પષ્ટતા થતી નથી. અગાઉ માર્ચમાં પ્રથમ કટ આવશે એવું માનવામાં આવતું હતુ પણ હવે જૂન પર આધાર રાખવામાં આવે છે. ગયા સપ્તાહની મિનિટસમાં પણ ફેડે ફુગાવાને પ્રાધાન્ય આપ્યું છે એટલે સોનાનો ભાવ હજુ અથડાતો રહેતેમ છે. અમેરિકાના આર્થિક આંકડાઓ છેલ્લાં દસ દિવસમાં જાહેર થયા તેમાં ફુગાવો હજુ કાબૂમાં નહીં આવ્યાના સંકેત મળે છે એટલે બજારમાં તેજી-મંદી અંગે દ્વીધા છે. 

રાજકોટની ઝવેરી બજારમાં 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ રૂ.60ના સુધારામાં રૂ. 63900 અને મુંબઇમાં રૂ. 216 વધતા રૂ. 62224 રહ્યો હતો. ચાંદી રાજકોટમાં  પ્રતિ કિલો રૂ. 300 ઘટતા રૂ. 70000 અને મુંબઇમાં રૂ. 204 તૂટીને રૂ.69449 રહી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ