• રવિવાર, 14 એપ્રિલ, 2024

ટેક્સ્ટાઈલ ઉદ્યોગને વૈશ્વિક ક્ષિતિજો વિસ્તારવા વડા પ્રધાનની હાકલ

ભારત ટૅક્સ 2024નું ઉદ્ઘાટન કરતાં નરેન્દ્ર મોદી

આનંદ કે. વ્યાસ તરફથી

નવી દિલ્હી, તા. 26  : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દેશના ટેક્સ્ટાઈલ ઉદ્યોગને માત્ર સ્થાનિક બજાર ઉપર નહીં, પરંતુ વિદેશી બજારો ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કરવાનું સૂચન આજે કર્યું હતું. 

ભારત ટૅક્સ 2024નું ઉદ્ઘાટન કર્યા બાદ વડા પ્રધાને જણાવ્યું કે વિશ્વમાં અત્યારે જે કાંઈ પરિવર્તનો થઈ રહ્યા છે તે કરતાં આપણે સદીઓથી આગળ છીએ, જેમ કે ખાદ્યપદાર્થે, જીવનશૈલી, અને પરિધાનની બાબતોમાં આપણે ફરી તેના મૂળ તરફ જઈ રહ્યા છીએ. આપણે માત્ર ભારતીય બજારોમાં નહીં, પરંતુ વૈશ્વિક બજારોમાં થઈ રહેલા પરિવર્તનો તરફ પણ ધ્યાન આપવું જોઈએ, એમ તેમણે ઉમેર્યું હતું. 

કોવિડ મહામારી સમયે ભારતીય ટેક્સ્ટાઈલ ઉદ્યોગ આગળ આવ્યો હતો અને સમગ્ર વિશ્વના દેશોને પીપીઈ કિટ અને માસ્કનો પુરવઠો કર્યો હતો. ક્ષેત્રના તમામ સંબંધિત ક્ષેત્રોએ આગળ આવી દેશને ફરીથી નિકાસનું વૈશ્વિક કેન્દ્ર બનાવે, એવી હાકલ તેમણે ઉદ્યોજકોને કરી હતી. 

ઉદ્યોજકો અને ક્ષેત્ર સાથે સંકળાયેલા દરેકને જે આવશ્યકતા હશે તેની પરિપૂર્તિ સરકાર કરશે, એમ વડા પ્રધાને એક્સ્પોમાં ઉપસ્થિત શ્રોતાઓને જણાવ્યું હતું. 

વર્ષ 2047 સુધીમાં દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવાના લક્ષ્યને હાંસલ કરવા માટે ટેક્સ્ટાઈલ ઉદ્યોગ મહત્ત્વની ભૂમિકા બજાવી રહી હોવાનું વડા પ્રધાન મોદીએ જણાવ્યું હતું. ગરીબ નાગરિકો, યુવાનો, ખેડૂતો અને મહિલાઓ ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટેના ચાર સ્તંભ છે અને ટેક્સ્ટાઈલ ઉદ્યોગ દરેક સાથે દૃઢતાથી સંકળાયેલો છે, એમ તેમણે ઉમેર્યું હતું. 

પાછલા દસ વર્ષમાં ટેક્સ્ટાઈલ ઉદ્યોગનું કદ રૂા. સાત લાખ કરોડથી વધીને રૂા. 10 લાખ કરોડ થયું અને વર્ષ 2014 પહેલાં ક્ષેત્રમાં આવેલા સીધા વિદેશી રોકાણ (એફડીઆઈ)ની તુલનાએ વર્ષ 2014થી 2023 દરમિયાન એફડીઆઈનું રોકાણ બમણું થયું છે. 

પ્રસંગે ઉપસ્થિત રહેલા કેન્દ્રીય ટેક્સ્ટાઈલ પ્રધાન પીયૂષ ગોયલે ટેક્સ્ટાઈલ ઉદ્યોજકોને સ્થાનિક ધોરણે સપ્લાય ચેઈન મજબૂત કરવાની હાકલ કરી હતી. 

સાથે તેમણે વર્ષ 2030 સુધીમાં ટેક્સ્ટાઈલ ઉત્પાદન 250 અબજ ડૉલરનું  કરવા અને નિકાસ મૂલ્ય 100 અબજ ડૉલરનું કરવા માટે કૌશલ્ય, ઝડપ અને દરજ્જાને બહેતર બનાવવા માટે ધ્યાન આપવાની હાકલ કરી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ