• રવિવાર, 14 એપ્રિલ, 2024

સુપ્રીમ કોર્ટ અને કેન્દ્ર સરકાર સામે કેસ કરશે `સોસાયટી ફૉર ફાસ્ટ જસ્ટિસ'  

લેભાગુ બીલ્ડરોના કારણે મુંબઈમાં 50,000 પરિવારો બેઘર

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 27 : દેશનું ન્યાયતંત્ર બ્રિટિશ સરકારની દેન છે. દેશની અદાલતોમાં 4.75 કરોડ કેસોનો ભરાવો થયો છે. આમ સમયસર ન્યાય આપી શકે એવા ન્યાયતંત્રને બંધ કરી દઈ બીજી વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવી જોઈએ. માગણી સાથે અમે સુપ્રીમ કોર્ટ અને કેન્દ્ર સરકાર સામે કેસ ફાઈલ કરીશું, એમ સોસાયટી ફૉર ફાસ્ટ જસ્ટિસના પ્રમુખ રાજેન્દ્ર ઠક્કર આજે અહીં એક પત્રકાર પરિષદને સંબોધતાં જણાવ્યું હતું.

બીલ્ડરોથી પરેશાન થયેલા નાગરિકો માટે `સોસાયટી ફૉર ફાસ્ટ જસ્ટિસ' સંસ્થાએ શનિવાર, તા. 2 માર્ચે સવારે 10થી 12.30 દરમિયાન દાદરસ્થિત યોગી સભાગૃહમાં જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું છે.બીલ્ડરોએ ભાડૂતોની જગ્યા મોટા વચનો આપી લઈ લીધી છે અને ત્યાં બાંધકામ કર્યું હોવાથી મુંબઈના 50,000 પરિવારો બેઘર થયા છે. અનેક બીલ્ડરોએ ભાડું આપવાનું પણ બંધ કરી ભાડૂતોને મુશ્કેલીમાં મૂકી દીધા છે. ભાડૂતોએ બૅન્કોમાંથી લોન લીધી હોવાથી માસિક હપ્તા પણ તેમને ભરવા પડે છે.

308 પ્રોજેક્ટના બીલ્ડરોએ નાદારી જાહેર કરી છે. તેમણે તેમનાં મકાનો અધૂરા છોડી દીધા છે. આમ છતાં બીલ્ડરો પોતે વૈભવી જીવન જીવે છે.સોસાયટી ફૉર ફાસ્ટ જસ્ટિસના પ્રમુખ રાજેન્દ્ર ઠક્કરે વધુમાં જણાવ્યું હતું કે ભાડૂતોને અને જનતાને ન્યાયતંત્ર પાસેથી સમયસર ન્યાય મળવો જોઈએ. ન્યાય મોડો મળે તે મળવા બરાબર છે. બીજું ગરીબો અને ધનિકોને એકસમાન ન્યાય મળવો જોઈએ. સોસાયટી ફૉર ફાસ્ટ જસ્ટિસના માનદ્મંત્રી આશિષ મહેતાએ જણાવ્યું હતું કે ન્યાયતંત્ર અને સરકાર સામે પહેલા શાંતિપૂર્વક કાનૂની રીતે લડીશું પણ કંઈ પરિણામ આવે તો અમે ઉગ્ર આંદોલન છેડીશું.

રાજેન્દ્ર ઠક્કરે વધુમાં જણાવ્યું હતું કે ભાડૂતોની દુર્દશા માટે ન્યાયાધીશ, ઍડવોકેટ, બીલ્ડર, રાજકારણીઓ અને સરકારી અધિકારીઓ સરખે હિસ્સે જવાબદાર છે. તમારો ઍડવોકેટ ઈમાનદાર હોય તો ન્યાય મળે છે. બાકી તારીખ પે તારીખ પડયા કરે છે.રાજેન્દ્ર ઠક્કરે માગણી કરતા જણાવ્યું હતું કે જો બીલ્ડર તેના આપેલા વચન પ્રમાણે ભાડૂતને ત્રણ વર્ષમાં ફ્લૅટ બાંધી આપી શકે તો તે પછીના બૅન્કના લોનના બધા હપ્તા બીલ્ડરે ભરવા જોઈએ. બીજું જે બીલ્ડરો નાદારી નોંધાવે છે તેમની બધી મિલકતો જપ્ત કરવી જોઈએ.

સોસાયટી ફૉર ફાસ્ટ જસ્ટિસ 2008માં રજિસ્ટર્ડ થયેલી સંસ્થા છે. 16 વર્ષથી તે આમજનતાને મફત કાયદાકીય સલાહ આપે છે. સંસ્થાના અધ્યક્ષે 15 જનહિત યાચિકા ફાઈલ કરી હતી અને બધામાં જીત મેળવી હતી. તેમણે હીરાનંદાની કન્સ્ટ્રક્શન, સેબી ઈરડા સામે પણ જનહિતની યાચિકા ફાઈલ કરી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ