• રવિવાર, 14 એપ્રિલ, 2024

અદાણી ગ્રુપે ડિફેન્સ ક્ષેત્રમાં રૂા. 3000 કરોડનું રોકાણ કર્યું  

યુપીમાં દક્ષિણ એશિયાનો સૌથી મોટો પ્લાન્ટ શરૂ કર્યો

મુંબઈ, તા. 28 : અદાણી ગ્રુપને ભારત અને વિદેશમાં સંરક્ષણ વ્યવસાયમાં વૃદ્ધિની નોંધપાત્ર તક દેખાઈ છે. તેને ધ્યાનમાં રાખીને ગ્રુપ તેના સંરક્ષણ વ્યવસાયમાં હજારો કરોડનો ખર્ચ કરવા તૈયાર છે. જોકે, તેના અન્ય બિઝનેસ કરતાં વધુ ઝડપથી નહીં વૃદ્ધિ કરે પણ તેના ઉપર ધ્યાન જાય તેટલું મોટું કદ તો તેનું હશે , એમ ગૌતમ અદાણીના નાના પુત્ર અને અદાણી એન્ટરપ્રાઇઝના વાઈસ પ્રેસિડન્ટ જીત અદાણીએ જણાવ્યું હતું.  

કાનપુરમાં ગ્રુપ કંપની અદાણી ઍરોસ્પેસ ઍન્ડ ડિફેન્સની દારૂગોળાની ફૅક્ટરીનું ઉદ્ઘાટન ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે કર્યું હતું. દક્ષિણ એશિયાનું સૌથી મોટું દારૂગોળા અને મિસાઇલનું સંકુલ છે. 500 એકરમાં ફેલાયેલ ફૅક્ટરીમાં તમામ પ્રકારના દારૂગોળાનું ઉત્પાદન કરવામાં આવશે, જેમાં કોમ્પોનન્ટ્સથી લઈને આર્ટિલરી સુધીનો સમાવેશ થાય છે. અદાણીએ જણાવ્યું કે સંરક્ષણ સાધનોમાં કન્ઝ્યુમેબલ વસ્તુઓથી શરૂ કરીને ધીમે ધીમે હાઇટેક સાધનો તરફ આગળ વધવાની યોજના છે. કંપની સશસ્ત્ર દળો, અર્ધલશ્કરી દળો અને પોલીસ માટે ઉચ્ચ ગુણવત્તાવાળા નાના, મધ્યમ અને મોટી ક્ષમતાના દારૂગોળાનું ઉત્પાદન કરશે. પ્લાન્ટે નાની ક્ષમતાના દારૂગોળાનું ઉત્પાદન શરૂ કર્યું છે જે 15 કરોડ રાઉન્ડથી શરૂ થાય છે અને તે ભારતની વાર્ષિક જરૂરિયાતના અંદાજિત 25 ટકા જેટલું છે.   

પ્રોજેક્ટમાં પ્રારંભિક રૂા. 3000 કરોડનું રોકાણ કરાયું છે અને પ્લાન્ટને કારણે 4000 લોકોને રોજગાર મળશે. અદાણીએ જણાવ્યું હતું કે વર્ષ 2028 સુધીમાં રોકાણ વધીને રૂા. 4000 કરોડ થશે. તેમણે જણાવ્યું હતું કે બિઝનેસને વધારે મૂડીની જરૂર નથી અને તે લાંબો સમયગાળો છે. બિઝનેસ જોર પકડે તે પછી મૂડી પર સારું વળતર મળવા સાથે વેગ આપવાની ક્ષમતા ધરાવે છે.  

તેમણે જોકે, જણાવ્યું હતું કે ગ્રુપમાં એવા અન્ય વ્યવસાયો છે જે ઝડપથી વૃદ્ધિ પામશે, જેમ કે ગ્રીન હાઇડ્રોજન અને ન્યૂ એનર્જી બિઝનેસ. અદાણી ઍરોસ્પેસ અદાણી એન્ટરપ્રાઇઝિસની એક શાખા છે. અદાણી ઍરપોર્ટના અપેક્ષિત આઈપીઓ વિશે અદાણીએ જણાવ્યું હતું કે પબ્લિક લિસ્ટિંગ માટેની વ્યૂહરચના એકાદ વર્ષમાં બહાર પાડવામાં આવશે.

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ