• રવિવાર, 14 એપ્રિલ, 2024

ફેબ્રુઆરીમાં મેન્યુફેક્ચરિંગ પીએમઆઈ વધીને પાંચ માસની ટોચે  

નવી દિલ્હી, તા. 1 (એજન્સી) : એક ખાનગી સર્વેક્ષણ મુજબ દેશમાં ફૅક્ટરીનાં ઉત્પાદન અને વેચાણમાં થયેલા વધારાના કારણે ગત પાંચ મહિનાઓમાં દેશનો મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રનો સૌથી વધુ ઝડપથી વિકાસ થયો છે. ફેબ્રુઆરીમાં એચએસબીસી ઈન્ડિયા મેન્યુફેક્ચરિંગ પીએમઆઈ વધીને 56.9 થયો હતો, જે ગત વર્ષના અૉક્ટોબરમાં 55.5 હતો.

2024ના જાન્યુઆરીમાં તે 56.5 હતો. છેલ્લા 32 મહિનાથી પીએમઆઈ 50 માર્કની ઉપર છે જે વિકાસ દર્શાવે છે.પાછલા પાંચ મહિનાઓમાં સૌથી વધુ ઝડપથી વિકાસ થયો છે, કારણ કે દેશમાં સપ્ટેમ્બરથી વેચાણ વધ્યું છે અને છેલ્લા 21 મહિનાઓમાં નિકાસના અૉર્ડર સૌથી અધિક વધ્યા છે. કૅપિટલ ગૂડઝના ઉત્પાદનમાં વધારો થવાના કારણે વિકાસને વેગ મળ્યો છે.

એચએસબીસીના અર્થશાત્રી આઈનેસ લામે જણાવ્યું હતું કે, એચએસબીસી ફાઈનલ ઈન્ડિયા મેન્યુફેક્ચરિંગ પીએમઆઈ દર્શાવે છે કે સ્થાનિક અને વિદેશી માગના કારણે ઉત્પાદન ક્ષેત્રનો મજબૂત વિકાસ ચાલુ રહેશે.જુલાઈ 2020થી કાચા માલના ભાવ સૌથી નીચો છે તેના કારણે ઉત્પાદન કરતી કંપનીઓના નફામાં સુધારો થયો છે. સુધારિત ટેક્નૉલૉજી અને વધેલા વેચાણને કારણે ઉત્પાદનમાં વધારો થયો છે.

વૈશ્વિક માગ ઘણી સારી વધી છે અને છેલ્લાં બે વર્ષમાં સૌથી વધુ વિસ્તરણ થયું છે. અૉસ્ટ્રેલિયા, ચીન અને અમેરિકા તથા યુનાઈટેડ આરબ અમીરાત જેવા ઘણા દેશો અને પ્રદેશોથી માગ વધી છે.હવે વર્ષના આગામી સમય માટેનો આશાવાદ થોડો ઘટયો છે. ફ્યુચર આઉટપુટ ઈન્ડેક્સ જાન્યુઆરીથી થોડા ઘટયો હતો. તે પહેલાં તે ડિસેમ્બર 2022થી સૌથી વધુ હતો.

મજબૂત અને સકારાત્મક વલણ હોવા છતાં તે રોજગારીના વિશેષ સર્જન માટે નિષ્ફળ ગયું છે. જેમનું સર્વેક્ષણ કરવામાં આવ્યું તે કંપનીઓએ હાલમાં પૂરતો સ્ટાફ હોવાનું જણાવ્યું હતું.2020ના મધ્યભાગમાં જ્યારે સમગ્ર વિશ્વ કોરોના મહામારીની ચપેટમાં હતું ત્યારબાદ પહેલીવાર ખર્ચનું દબાણ સૌથી ઓછી ઝડપે વધ્યું હતું.

મજબૂત વ્યાપાર અને પ્રમાણસર ફુગાવાને કારણે કંપનીઓએ કાચો માલ એકત્ર કર્યો તેના કારણે ખરીદીનું પ્રમાણ વધ્યું હતું અને પર્ચેઝ સબ ઈન્ડેક્સ પાછલા પાંચ મહિનામાં સૌથી વધુ થયો હતો.માર્ચ 2023 પછી આઉટપુટ પ્રાઈસ ઈન્ડેક્સ ઘટયો હતો, જે ફુગાવો હળવો થવાનું દર્શાવે છે.

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ