• રવિવાર, 14 એપ્રિલ, 2024

વર્ષ 2023-24નો પ્રારંભ સંગીન અને આશાજનક : નાણાં મંત્રાલય  

નવી દિલ્હી, તા. 25 : ચાલુ નાણાકીય વર્ષ 2023-24નો પ્રારંભ સંગીન અને આશાજનક રીતે થયો છે. માર્ચ 2023ની ત્રિમાસિકની આર્થિક ગતિવિધિઓની પ્રગતિ એપ્રિલમાં પણ ચાલુ રહી હતી એમ આર્થિક સૂચકાંકો દર્શાવે છે. નાણાં મંત્રાલયે સોમવારે તેના છેલ્લા માસિક આર્થિક સર્વેક્ષણમાં આ બાબત જણાવી હતી. 

હવાઈ યાત્રા કરતાં મુસાફરોની સંખ્યા કોરોના મહામારીના સમય પહેલાં હતી તેના કરતાં પણ વધી છે. ગૂડઝ ઍન્ડ સર્વિસ ટૅક્સ (જીએસટી)ની આવક પણ ઘણી સારી રહી છે. ખાનગી ક્ષેત્રનું રોકાણ વધી રહ્યું હોવાનો મજબૂત પુરાવો છે.

આંતરરાષ્ટ્રીય પરિબળો અને આબોહવા પરિવર્તનની અનિશ્ચિતતાઓને કારણે દેશનો વિકાસ ઘટવાનું અને ફુગાવો વધવાનું જોખમ છે. તેની સામે સ્થાનિક માગની મજબૂતી અર્થતંત્રનું જમાપાસું છે. વપરાશ (ખર્ચ) મજબૂત અને વિસ્તૃત રીતે વધતો જાય છે અને ઉત્પાદન ક્ષમતામાં અને રિયલ એસ્ટેટમાં રોકાણ વધતું જાય છે.

એપ્રિલ 2023માં મેન્યુફેક્ચરિંગ પીએમઆઈ ચાર મહિનાની ઊંચાઈ પર હતો અને સર્વિસીઝ પીએમઆઈની વૃદ્ધિ છેલ્લાં 13 વર્ષમાં સૌથી વધુ ઝડપથી થઈ હતી.આર્થિક પ્રવૃત્તિમાં વધારો થતાં ઉદ્યોગોમાં ઉત્પાદન ક્ષમતાનો એકંદર વપરાશ વધીને 75 ટકાએ પહોંચતાં કંપનીઓ નવી ક્ષમતા સ્થાપવામાં રોકાણ કરી રહી છે.

2022-23ના ચોથા ત્રિમાસિકમાં રૂા. 60,000 કરોડના પ્રોજેકટ પૂર્ણ થયા હતા અને રૂા. 10.9 લાખ કરોડ (ટ્રિલિયન)ના નવા પ્રોજેક્ટની જાહેરાત થઈ હતી, એમ સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમીના એક અહેવાલમાં જણાવ્યું હતું.

2023-24માં કૃષિક્ષેત્રની કામગીરી પણ ઉજ્જવળ રહેશે એવું લાગે છે. સામાન્ય ચોમાસાની આગાહી, જળાશયોમાં પાણીનો પૂરતો જથ્થો, ખાતર અને બિયારણની પૂરતી ઉપલબ્ધિ અને ટ્રેક્ટરનું સંગીન વેચાણ, જૂન 2023થી શરૂ થતી ખરીફ વાવણી સિઝન તંદુરસ્ત રહેવાનો સંકેત આપે છે, એમ તે અહેવાલમાં જણાવ્યું હતું.

વિદેશોમાં ચીજવસ્તુઓના ભાવ ઘટી રહ્યા હોવાથી દેશમાં ફુગાવો ઘટી રહ્યો છે. વૈશ્વિક માગ ઘટવાથી અને પુરવઠા વ્યવસ્થાની પરિસ્થિતિ સુધરવાને કારણે આ શક્ય બન્યું છે. આમ છતાં દેશમાં ચીજવસ્તુઓના ભાવ કોરોના પહેલાના સમય કરતાં ઊંચા છે. વૈશ્વિક ક્રૂડતેલના પુરવઠા પર વધુ નિયંત્રણો આવશે, ભૂરાજકીય તણાવ હજી પણ વધે અને વાતાવરણ પ્રતિકૂળ બને તો કૉમોડિટીના ભાવ ઊંચા રહેશે, એમ નાણાં મંત્રાલયના અહેવાલ જણાવે છે.

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ