• બુધવાર, 17 એપ્રિલ, 2024

દક્ષિણ ભારતની સ્પિનિંગ મિલો હાલ 50 ટકા ક્ષમતાએ જ ચાલશે

કોઈમ્બતુર, તા. 23 : દક્ષિણ ભારતની સ્પિનિંગ મિલમાલિકોએ તેમના એકમો તાત્કાલિક તારીખથી અડધી ક્ષમતાએ જ ચલાવવાનું નક્કી કર્યું છે. 

ધી સાઉથ ઇન્ડિયા સ્પિનર્સ ઍસોસિયેશન (સિસ્પા), ધી ઓપન-ઍન્ડ સ્પિનિંગ મિલ્સ ઍસોસિયેશન (ઓસ્મા), ધી ઇન્ડિયા સ્પિનિંગ મિલ્સ ઍસોસિયેશન (ઈસ્મા), રિસાઈકલ ટેક્સ્ટાઈલ ફેડરેશન (આરટીએફ)ના સભ્યો અત્રે ઇન્ડિયન ચેમ્બર અૉફ કૉમર્સ ઍન્ડ ઈન્ડસ્ટ્રી ખાતે મળ્યા હતા અને ચર્ચાવિચારણા કર્યા બાદ ઉપરોક્ત નિર્ણય લીધો હતો.

સ્પિનિંગ મિલ ઉદ્યોગ ભારે મૂડીલક્ષી ઉદ્યોગ છે અને રોજગારલક્ષી ઉદ્યોગ છે. તે મહિલાઓને સારા એવા પ્રમાણમાં રોજગારી પૂરી પાડે છે. આ ઉદ્યોગ અત્યારે ઘણી સમસ્યાઓથી ઘેરાયલો છે. બૅન્ક વ્યાજદરમાં ધીમે ક્રમશ ત્રણ ટકા જેટલો વધારો થવાથી યાર્નનું ઉત્પાદન ખર્ચ વધ્યું છે. પાવર ટેરિફ વધ્યા છે. કોરોનાકાળમાં સરકારે આપેલી લોનની પુન: ચુકવણી કરવાની છે.

યાર્ન અને કાપડની ચીન, બાંગ્લાદેશ અને વિયેટનામથી નીચા દરે આયાત થાય છે. માગને પહોંચી વળવા જ્યારે સ્થાનિક પુરવઠો પૂરતો ન હોય ત્યારે જ સરકારે યાર્નની આયાતની છૂટ આપવી જોઈએ. સ્થાનિક સપ્લાયરો વચ્ચે ઉગ્ર હરીફાઈ છે અને તેમાં આયાતછૂટ આપવાથી ઘણા એકમો બંધ થવાના આરે આવી ગયા છે.

સ્પિનિંગ ઉદ્યોગે સરકારને બૅન્ક વ્યાજદર ઘટાડી અગાઉની 7.75 ટકાની સપાટીએ લાવવાની વિનંતી કરી છે. ઈમર્જન્સી ક્રેડિટ લાઈન ગેરન્ટી સ્કીમ હેઠળની બાકી રહેતી શોર્ટ-ટર્મ લોનનું પુન:ગઠન કરવાની માગણી કરી છે. 

ટર્મ લોન પરનું મોરેટોરિયમ બે વર્ષ વધારવાની માગણી કરી છે. આ ઉપરાંત પાવર ટેરિફનો વધારો 5.6 ટકા સુધી મર્યાદિત કરવાની અને રૂફટોપ સોલર નેટવર્ક ચાર્જિસ નાબૂદ કરવાની માગણી કરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક