• સોમવાર, 20 મે, 2024

લૂઝ સીંગતેલમાં રૂ. 50નો ઉછાળો  

અમારા પ્રતિનિધિ તરફથી 

રાજકોટ, તા. 19 : સીંગતેલના ભાવમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. સૌરાષ્ટ્રમાં મગફળીની આવકો તળિયે પહોંચી જતા કાચા માલની અછત હોવાથી તેલ મિલોને પીલાણ માટે માલ મળી રહ્યો નથી અને તહેવારોની ઘરાકી ધીમે ધીમે વધી રહી હોવાથી ભાવ વધી રહ્યા છે. બીજી તરફ બ્રાન્ડવાળા છાપાછાપી કરી રહ્યા હોવાથી પણ ભાવ ઉંચકાયો છે. લૂઝના ભાવમાં વધુ રૂ. 50નો વધારો થતા લૂઝનો ભાવ રૂ. 1850-1900 ઉપર પહોંચી ગયો છે. ગોંડલ લાઈનમાં લૂઝના રૂ. 1750-1850 બોલાતા હતા. લૂઝમાં મિલો દ્વારા આશરે 10-15 ટેન્કરના કામકાજ કરવામાં આવ્યા હતા. ધોરાજી-ઉપલેટા લાઈનમાં તેલિયાનો ભાવ રૂ. 2915-2916 હતો. સીંગખોળનો ભાવ રૂ. 40500 રહ્યો હતો.

કપાસિયા વોશના ભાવમાં પામતેલની અસરથી નરમાઈ હતી. વોશમાં રૂ. 5નો ઘટાડો થતા ભાવ રૂ. 905-910 હતો.જેમાં મિલો દ્વારા આશરે 8-10 ટેન્કરના વેપારો કરવામાં આવ્યા હતા.

મલેશિયન પામતેલ બોર્ડ આયાત કરતા દેશોની સતત માંગને કારણે પામતેલની નિકાસ 3.7 ટકા વધીને 163 લાખ ટન થવાની ઘારણા રાખે છે. બુધવારે મલેશિયામાં જાહેર રજા હોવાથી વાયદો બંધ હતો. સ્થાનિક બજારમાં આયાતી તેલના ભાવમાં મામૂલી વધઘટ હતો. કંડલા બંદરે પામતેલ હાજર રૂ. 2 વધીને ભાવ રૂ. 850 હતો. જ્યારે સોયાતેલનો ભાવ રૂ. 5ના ઘટાડામાં રૂ. 910-912 રહ્યો હતો.