• શનિવાર, 27 એપ્રિલ, 2024

જ્વેલર્સ દ્વારા રૂા. બે હજારની નોટનો શરતી સ્વીકાર

અમારા પ્રતિનિધિ તરફથી 

મુંબઈ, તા. 24 : રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના રૂા. બે હજારની નોટ પાછી ખેંચવાના નિર્ણયને પગલે જ્વેલરી ક્ષેત્રના છૂટક દુકાનદારો ભવિષ્યમાં કરવેરાને લગતી સમસ્યાથી બચવા માટે ગ્રાહકોને બે હજાર રૂપિયાની નોટ ચૂકવીને ખરીદીના સંજોગોમાં પાન અથવા આધારકાર્ડ જેવા પુરાવા જમા કરાવવાનો આગ્રહ રાખી રહ્યા છે. સેન્કો ગોલ્ડ એન્ડ ડાયમંડ્સના સીઈઓ અને મેનાજિંગ ડિરેક્ટર સુવર્ણકાર સેને જણાવ્યું કે અમે અમારા તમામ 139 સ્ટોર્સમાં ગ્રાહકો પાસેથી બે હજાર રૂપિયાની નોટ સ્વીકારીએ છીએ અને સામે કેવાયસીને લગતી કેટલીક માહિતીનું ફોર્મ ગ્રાહક પાસે ભરાવીએ છીએ, જેથી અમને એ નોટો અમારી બેન્કમાં જમા કરાવતી વેળાએ પારદર્શિતા મળે. આ કેવાયસી ફોર્મ એટલે કે નો યોર કસ્ટમર ફોર્મમાં પાન અને આધારના પુરાવા સામેલ છે. 

પૂણેની પીએન ગાડગિલ એન્ડ સન્સ ત્રણ રાજ્યોમાં 29 સ્ટોર્સ ધરાવે છે અને તે પણ પાન અને આધારની કોપી સાથે બે હજારની નોટો બાબતે એક ઘોષણાપત્ર ઉપર હસ્તાક્ષર કરાવીને આ નોટો સ્વીકારે છે, એમ કંપનીના સીઈઓ અમિત મોદકે જણાવ્યું છે. 

મુંબઈની પ્રસિદ્ધ ઝવેરી બજારના ટોચના જ્વેલર હરીશ રામાણીએ જણાવ્યું કે એમના સ્ટોરમાં રૂા. 50,000થી વધુની તમામ ખરીદી માટે તેઓએ અગાઉથી જ પ્રિવેન્શન ઓફ મની લોન્ડારિંગ એક્ટ (પીએમએલએ નિયમો) હેઠળ પાન અને આધાર કાર્ડ ફરજિયાત બનાવ્યું છે અને હવે રૂા. બે હજારની નોટ પણ તેઓ પાન કે આધાર કાર્ડ હોય તો જ સ્વીકારે છે. 

ત્રણેય જ્વેલર્સે ઉમેર્યું હતું કે ગભરાટભરી વેચવાલીના છૂટાછવાયા કિસ્સાઓ બની શકે છે, તે હંમેશની જેમ ધંધાનો જ એક ભાગ છે. દેશમાં સોનાના વેપારના ટોચના સંગઠન ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (ઈબ્જા)ના વરિષ્ઠ સભ્યએ પણ આ દાવાને સમર્થન આપ્યું છે. ઈબ્જાના દર રિઝર્વ બેન્ક, સરકાર વતી જારી કરાયેલા સોવરિન ગોલ્ડ બોન્ડની કિંમત નક્કી કરવા અને તેને રિડીમ કરવા માટે વાપરે છે. 

ઈબ્જાના નેશનલ સેક્રેટરી સુરેન્દ્ર મહેતાએ જણાવ્યું કે નાનાં શહેરોમાં કોઈ છૂટીછવાઈ ઘટનાઓ બને તો એ નકારી શકાય નહીં. પરંતુ ગભરાટભર્યા વેચાણ અને જ્વેલર્સ તગડું પ્રીમિયમ વસૂલતા હોય એવા પાછલા ડિમોનિટાઈઝેશન જેવા કિસ્સા નોંધાયા નથી.