• બુધવાર, 22 મે, 2024

પામતેલમાં ઘટાડો અટક્યો   

અમારા પ્રતિનિધિ તરફથી 

રાજકોટ, તા. 24 : મલેશિયન પામતેલ વાયદામાં મંગળવારે 28 રીંગીટનો નજીવો સુધારો થતા 3406ના સ્તરે બંધ થયો હતો. બે દિવસ સુધી ઘટ્યા પછી નબળા રીંગીટ અને ક્રૂડ તેલના ભાવમાં મજબૂતી રહેતા વાયદાને ટેકો મળ્યો હતો. ચીનના ડાલિયાન એક્સચેંજ પર સોયાબીન અને અન્ય તેલોના ભાવમાં પણ સુધારો થવાને લીધે પામતેલને ફાયદો થયો હતો. મલેશિયાના ચલણનું મૂલ્ય ડોલર સામે નવેમ્બર 2022 પછીના તળિયે છે એ કારણે વિદેશી ખરીદનારાને પામતેલ સસ્તું લાગતું હતુ. પામતેલના ભાવ અત્યારે પોતાના ફંડામેન્ટલને બદલે અન્ય તેલોની પાછળ ચાલી રહ્યા છે.કંડલા બંદરે પામતેલનો હાજર ભાવ આગલા દિવસથી રૂ.5 ઘટીને રૂ. 870 હતા. જ્યારે સોયાતેલનો ભાવ રૂ. 880 સ્થિર હતો. 

સીંગતેલ બજારમાં રૂ. 1600ના ભાવ હતા. ઘરાકી થોડી નબળી પડતા ભાવમાં સુસ્તી હતી. જોકે કામકાજો પણ માંડ બેથી ત્રણ ટેન્કરના હતા. નવી મગફળીની આવક વધી રહી હોવાથી સેન્ટિમેન્ટ ઢીલું છે. ધોરાજી ઉપલેટા લાઇનમાં તેલિયાનો ભાવ રૂ. 2465-2466 હતો. જ્યારે ખોળમાં રૂ. 41500ના ભાવ રહ્યા હતા. કપાસિયા વોશમાં રૂ. 10નો ઘટાડો થતા રૂ. 820-825 રહ્યા હતા. વોશમાં આશરે 10-15 ટેન્કરના કામકાજ થયા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક