એન્ટ્રી-લેવલ કારના વેચાણને વધારવાની નેમ
મુંબઈ, તા. 20 : નવરાત્રિથી દિવાળી સુધીના તહેવારોમાં વાહનોનું નોંધપાત્ર વેચાણ થયું તેનાથી પ્રોત્સાહિત થઈને કાર નિર્માતાઓ તેમની વાહન વેચાણ સંબંધિત વિવિધ ઓફર્સને લંબાવી રહ્યા છે. આમાં મુખ્યત્વે એન્ટ્રી-લેવલનાં વાહનોને લક્ષ્ય બનાવાયાં છે. કેટલાક કાર નિર્માતાએ નવેમ્બરના અંત સુધી ઓફર લંબાવી છે, અન્યો ડિસેમ્બર માટે નવી ઓફર રજૂ કરવા માટેની તૈયારી કરી રહ્યા છે.
ઉદ્યોગના નિષ્ણાતોના મતે તહેવારોમાં નીકળેલી સફળ માગને કારણે આવનારા સમયમાં માગમાં ઘટાડો થવાની સંભાવના અને તેને કારણે માલ સંગ્રહમાં 63-66 દિવસના વિક્રમી ઉચ્ચ સ્તરનો વધારો થવાના અંદાજને કારણે લેવાઈ રહ્યું છે.
ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશન (ફાડા) ના પ્રમુખ મનીષ રાજ સિંઘાનિયાએ જણાવ્યું કે, ગયા મહિને કુલ 3,90,000 વાહનો ડિસ્પેચ થયાં હતાં અને ડીલરનો સ્ટોક વધીને 63-66 દિવસનો થયો હતો. દિવાળી પૂરી થઈ તે સાથે તહેવારો દરમિયાન પેસેન્જર કાર સેગમેન્ટમાં એક અંકી વૃદ્ધિ જોવા મળી હતી. લગભગ તમામ કંપનીઓ એન્ટ્રી-લેવલ, સેડાન અને હેચબેક સેગમેન્ટ માટે તહેવારોની અૉફર્સ લંબાવી રહી છે. સ્ટોક કરેક્શન થાય તે પહેલાં ડિસ્પેચમાં ઘટાડો કરવાની જરૂર છે, અન્યથા ડીલર્સને અનેક નાણાકીય પડકારોનો સામનો કરવો પડી શકે છે. અત્યાર સુધી રિટેલ વેપાર સાનુકૂળ જણાય છે, પરંતુ ઈન્વેન્ટરીની સ્થિતિ બાજી બગાડી શકે છે.
ફાડાના જણાવ્યા અનુસાર એક કંપનીએ તેના વાહનોની કેટલીક શ્રેણીઓની ઇન્વેન્ટરી માટે ધિરાણનું પગલું પણ લીધું હતું. એક કંપનીએ એક મહિનાથી વધુ સમયની ઇન્વેન્ટરી માટે ડીલર્સને ટેકો આપ્યો છે. ફાડાના મૂલ્યાંકનના આધારે, ઈન્વેન્ટરીની વર્તમાન સ્તરની વૃદ્ધિ જુલાઈ મહિનામાં લગભગ 50 દિવસ સાથે સરખાવવામાં આવે છે. ઉદ્યોગના સૂત્રો સૂચવે છે કે સ્ટોકમાં વર્તમાન વધારો મુખ્યત્વે એન્ટ્રી-લેવલ મોડેલ માટે છે.
મારુતિ સુઝુકી ઈન્ડિયાના માર્કાટિંગ એન્ડ સેલ્સના સિનિયર એક્ઝિક્યુટિવ ઓફિસર શશાંક શ્રીવાસ્તવે કહ્યું કે, ગ્રાહક પ્રમોશન અૉફર્સ સામાન્ય રીતે મહિના માટે જાહેર કરવામાં આવે છે. નવેમ્બર માટે પ્રમોશન અૉફર્સ યથાવત્ રહે છે. તહેવારોનો સમયગાળો 15 નવેમ્બરે પૂરો થયો હતો, પરંતુ રિવાજ મુજબ મહિનાની અૉફર્સ એ જ રહે છે. ડિસેમ્બરની અૉફર્સ મહિનાની શરૂઆતમાં જાહેર કરવામાં આવશે.
ડીલર્સના ઇન્વેન્ટરી ખર્ચ માટે ભંડોળ સંબંધે શ્રીવાસ્તવે કહ્યું કે, કંપની પાસે હોલસેલ અને રિટેલ વેચાણના આધારે અલગ ડીલર વેચાણ પ્રોત્સાહનો છે.
હોન્ડા કાર્સ ઈન્ડિયાએ પણ જણાવ્યું હતું કે, તેની ઓફર્સ નવેમ્બરના અંત સુધી ચાલુ રહેશે અને ડિસેમ્બર માટેની ઓફર્સ પછીથી જાહેર કરવામાં આવશે. કંપનીના માર્કેટીંગ એન્ડ સેલ્સના વાઈસ પ્રેસિડન્ટ કુણાલ બહેલે કહ્યું કે, અત્યારે ગ્રેટ હોન્ડા ફેસ્ટ 2023ની ઓફર કારની ખરીદી માટે શ્રેષ્ઠ છે. પ્રિમીયમ સિડાન અને હોન્ડા સીટી ઉપર વિશેષ ફેસ્ટિવલ ડીલ્સ છે.