• સોમવાર, 04 માર્ચ, 2024

મહત્ત્વનાં ખનિજ ક્ષેત્રોની હરાજી આજથી શરૂ

નવી દિલ્હી, તા. 28 (એજન્સીસ) : દેશમાં સૌ પ્રથમવાર આવતી કાલે 29 નવેમ્બરે લિથિયમ અને ગ્રેફાઈટ સહિતના 20 વ્યૂહાત્મક મિનરલ (ખનિજ) બ્લોક માટે બીડ મગાવાશે. દેશના આર્થિક વિકાસને વેગ આપવા માટે તેમ જ દેશમાં ગ્રીન એનર્જી માટે અત્યંત જરૂરી એવા કાચા માલનું ઉત્પાદન થાય તેવી ભારતની વ્યૂહરચના છે. 

20 જેટલા વ્યૂહાત્મક અને અગત્યના ખનિજોના બ્લોક દેશના વિવિધ ભાગોમાં ફેલાયેલા છે. આ સીમાચિહ્નરૂપ પગલાંને કારણે આપણા અર્થતંત્રને પ્રોત્સાહન મળશે, રાષ્ટ્રીય સુરક્ષા વધશે અને ભાવિ કલીન એનર્જીના માર્ગને મદદરૂપ બનશે, એમ સરકારે બહાર પાડેલા એક નિવેદનમાં જણાવ્યું હતું.

20 ખનિજ બ્લોકની જાહેર હરાજીની પ્રક્રિયા ઓનલાઈન થશે અને તેમાં બે તબક્કાની એસેન્ડિંગ ફોરવર્ડ ઓકશન પ્રક્રિયાનો ઉપયોગ થશે. આ હરાજીમાં બીડ કરનારા લોકોમાંથી જે બીડર ડિસ્પેચ થનારા મિનરલની સૌથી વધુ ટકાવારી અને કિંમત દર્શાવશે તેને લાયક બીડર ગણવામાં આવશે.

મિનરલ બ્લોકની તમામ વિગતો, હરાજીની શરતો, સમયમર્યાદા વગેરે બાબતો એમએસટીસીના ઓકશન પ્લેટફોર્મ ઉપર 29 નવેમ્બર, 2023ના રોજ સાંજે છ વાગ્યાથી ઉપલબ્ધ બનશે.

આ વ્યૂહાત્મક ખનિજો રિન્યુએબલ એનર્જી, ડિફેન્સ, એગ્રિકલ્ચર, ફાર્માસ્યુટિકલ્સ, હાઈ ટેક ઈલેક્ટ્રોનિકસ, ટેલિકૉમ્યુનિકેશન્સ, ટ્રાન્સપોર્ટેશન અને ગીગા ફેકટરીઓને શરૂ કરવા માટે અત્યંત જરૂરી ભાગ ભજવે છે.

વધુમાં ભારત 2030 સુધીમાં પરંપરાગત જમીનમાંથી નીકળતા ઈંધણને છોડીને અન્ય સ્રોતોમાંથી દેશની 50 ટકા વીજળી ઉત્પન્ન કરવાનું લક્ષ્યાંક ધરાવે છે. 

આ મહત્ત્વાકાંક્ષી વીજ ઉત્પાદન યોજનાને કારણે ઈલેક્ટ્રિક કાર, પવન અને સૌર ઊર્જા માટે બેટરી સ્ટોરેજ સિસ્ટમની જરૂર પડે અને તેના માટે લિથિયમ જેવા વ્યૂહાત્મક ખનિજો અત્યંત અગત્યના છે.

લિથિયમ જેવા વ્યૂહાત્મક ખનિજોના ઉત્ખનનને વેગ આપવા માટે કેન્દ્ર સરકારે જુલાઈમાં આ ખનિજોના ખોદકામ માટે ખાનગી ક્ષેત્રની કંપનીઓને પ્રવેશવાની છૂટ આપી હતી. હાલમાં જમ્મુ અને કાશ્મીર તેમ જ કર્ણાટકમાં મળી આવેલા લિથિયમ બ્લોકની હરાજીમાં આ સુધારો લાગુ થશે.

અૉક્ટોબરમાં ભારતના પ્રધાનમંડળે ત્રણ વ્યૂહાત્મક અને મહત્ત્વના ખનિજોની રોયલ્ટીના દર નક્કી કર્યા હતા. તેમાં લિથિયમ માટે ત્રણ ટકા, નિયોબિયમ માટે ત્રણ ટકા અને આરઈઈ માટે એક ટકો રોયલ્ટીના દર મંજૂર કરવામાં આવ્યા હતા.

રાજ્ય સરકારો હસ્તક જાહેર ક્ષેત્રની કંપનીઓ આ મૂલ્યવાન ખનિજો માટે સમગ્ર વિશ્વમાં સઘન તપાસ કરી રહી છે, જ્યારે કોલ ઇન્ડિયા અને એનટીપીસી જેવી ઈંધણની મહાકાય કંપનીઓ આ મહત્ત્વપૂર્ણ ખનિજોના ખોદકામના ક્ષેત્રમાં પ્રવેશવાની તૈયારી કરી રહી છે.