• સોમવાર, 04 માર્ચ, 2024

ગૌતમ સિંઘાનિયા વિરુદ્ધના આક્ષેપોની સ્વતંત્ર ડિરેકટર્સ દ્વારા તપાસની માગણી

મુંબઈ, તા. 28 (એજન્સીસ) : એક ઇન્ડિયન પ્રોક્ષી એડવાઈઝરી કંપની ઈન્સ્ટિટયૂશનલ ઈન્વેસ્ટર એડવાઈઝરી સર્વિસીસ (આઈઆઈએએસ)એ ટેક્સ્ટાઈલ કંપની રેમન્ડ લિમિટેડના સ્વતંત્ર ડાયરેકટરોને મૅનેજિંગ ડાયરેકટર વિરુદ્ધના હુમલાના આક્ષેપની તપાસ શરૂ કરવાની વિનંતી કરી હતી. 

રેમન્ડના એમડી ગૌતમ સિંઘાનિયાની પત્ની અને બોર્ડ મેમ્બર નવાઝ મોદી સિંઘાનિયાએ આક્ષેપ કર્યો હતો કે સપ્ટેમ્બર, 2023માં ગૌતમ સિંઘાનિયાએ તેમની અને તેમની દીકરી ઉપર શારીરિક હુમલો કર્યો હતો.

ગૌતમ સિંઘાનિયાએ કંપનીના બોર્ડને પત્ર લખીને તેમના અને તેમની પત્નીનાં છૂટાછેડાના મામલામાં કંપનીનું કામકાજ વ્યવસ્થિત ચાલશે, એવી ખાતરી આપી હતી.

મંગળવારે રેમન્ડના શૅરના ભાવ સતત દસમા સત્રમાં ઘટયા હતા અને આ સમયમાં 16 ટકાથી વધુ ઘટયા હતા. 13 નવેમ્બરના રોજ જ્યારે ગૌતમે એક્સ નામના સોશિયલ મીડિયામાં તેની પત્નીથી છૂટા પડયા હોવાના અહેવાલ પ્રસિદ્ધ કર્યા ત્યારબાદ રેમન્ડના શૅરમાં ઘાસણી શરૂ થઈ હતી.

આઈઆઈએએસે સ્વતંત્ર ડાયરેકટરોને ઉદ્દેશીને લખેલા એક ખુલ્લા પત્રમાં જણાવ્યું હતું કે તેમણે રોકાણકારો અને સંબંધિત હિત ધરાવતા લોકો સાથે વાતચીત કરીને તેમની ચિંતા દૂર કરવી જોઈએ અને આ પ્રકારના જાહેર આક્ષેપો બાદ અત્યાર સુધીમાં ડાયરેકટરોએ લીધેલા પગલાંનો ખ્યાલ આપવો જોઈએ. કંપનીના હિતમાં અને વિશાળ સંખ્યાના શૅરહોલ્ડરોના હિતમાં આ પ્રકારના હુમલા અને સીઈઓની જબરદસ્તીના આક્ષેપોની સ્વતંત્ર તપાસ કરવાની આઈઆઈએએસે વિનંતી કરી હતી.