• સોમવાર, 04 માર્ચ, 2024

વૈશ્વિક પ્રણાલીને અનુરૂપ નવી ટેક્સ્ટાઈલ પૉલિસી ઘડાશે  

સંસદીય સમિતિની ભલામણ મુજબ

નવી દિલ્હી, તા. 9 :ભારતીય ટેક્સ્ટાઈલ ઉદ્યોગને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવવા અને માંદા ટેક્સ્ટાઈલ એકમોના નવનિર્માણ માટે ઝડપી પગલાં લેવાના હેતુથી સર્વાંગી નેશનલ ટેક્સ્ટાઈલ પૉલિસી ઘડવાની ભલામણ સંસદીય સમિતિએ કરી છે.

પીએમ મેગા ઈન્ગિગ્રેટેડ ટેક્સ્ટાઈલ રિજિયન ઍન્ડ એપરલ (પીએમ મિત્રા) માર્ક્સ સ્કીમ મારફત એન્વાયરમેન્ટ અને કેન્દ્રીય ટેક્સ્ટાઈલ મંત્રાલય હેઠળના માંદા ટેક્સ્ટાઈલ એકમો અને જાહેર ક્ષેત્રના એકમોની સુધારણા માટેના અંદાજો (2023-24)ના આધારે કમિટીએ તારણો તૈયાર કર્યાં છે. અહેવાલ ગયા બુધવારે લોકસભામાં રજૂ કરવામાં આવ્યો હતો.

નેશનલ ટેક્સ્ટાઈલ સ્ટ્રેટેન્ડ સાથે રાજ્યોની ટેક્સ્ટાઈલ પૉલિસીઓ અથવા સ્કીમો ઘડાય તે રીતે સંકલન કરવા ટેક્સ્ટાઈલ મંત્રાલયને કમિટીએ સલાહ આપી છે. વળી શ્રેષ્ઠ વૈશ્વિક પ્રણાલીને ધ્યાનમાં રાખી રાજ્યોની ટેક્સ્ટાઈલ પૉલીસીઓ ઘડાય તે ધ્યાન રાખવા કેન્દ્રીય ટેક્સ્ટાઈલ મંત્રાલયને જણાવવામાં આવ્યું છે.

કમિટીએ દેશના માંદા ટેક્સ્ટાઈલ એકમોની નવરચના માટેનો અભિગમ અપનાવવા જણાવ્યું છે. માટેનો એક્શન પ્લાન તૈયાર કરવા અને બધા સંબંધિત પક્ષકારો જોડે તેની ચર્ચા કરવા જણાવ્યું છે.

જમીન સંબંધી વિવાદો સત્વરે ઉકેલવા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો વચ્ચે સંશોધન અને સંવાદિતા નિર્માણ કરવા ઉપર સમિતિએ ભાર મૂક્યો છે. વિવાદોને અલ્ટરનેટીવ ડિસ્પ્યુટ રિઝોલ્યુશન પ્રોસિજર (એડીઆરપી) દ્વારા ઉકેલવા અને કાનૂની નિષ્ણાતોની સલાહ લેવા કમિટીએ ટેક્સ્ટાઈલ મંત્રાલયને જણાવ્યું છે.

વિવાદમુક્ત અને ક્લિયર ટાઈટલ ધરાવતી અસ્ક્યામતોને સરકાર હસ્તગત કરે પછી બિનકાર્યરત માંદા ટેક્સ્ટાઈલ સાહસો અથવા એકમોની નવરચના માટે ખાનગી રોકાણને આકર્ષવા ઉપર સમિતિએ ભાર મૂક્યો છે. પીએમ મિત્રા પાર્કના નિર્માણ સહિતના વિકલ્પો વિચારવા જણાવાયું છે. માંદા ટેક્સ્ટાઈલ બિઝનેસને પુન:જીવિત કરવા ખાનગી ક્ષેત્રના સ્રોત અને કુશળતાનો ઉપયોગ કરવા જણાવવામાં આવ્યું છે.

સંસદીય સમિતિની દરખાસ્તોનો હેતુ ભારતીય ટેક્સ્ટાઈલ ઉદ્યોગને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવવાનો છે. કમિટીનો લક્ષ્યાંક નેશનલ ટેક્સ્ટાઈલ પૉલિસી ઘડવાનો, માંદા ટેક્સ્ટાઈલ એકમોની નવરચના કરવાનો અને ખાનગી રોકાણને આકર્ષવાનો છે.