• સોમવાર, 04 માર્ચ, 2024

નાનાં બંદરોથી સીંગદાણાની નિકાસ શરૂ  

અમારા પ્રતિનિધિ તરફથી 

રાજકોટ, તા. 11 : ગુજરાતમાં મહાકાય-મોટાં બંદરોની હાજરી વચ્ચે નાના બંદરોએથી એગ્રી કોમોડિટીઝની નિકાસ હજુ જીવંત રહી છે. પોરબંદરથી 1000 ટન જેટલા સીંગદાણા અને 200 ટન હળદર ભરીને એક સાધારણ કદનું જહાજ દુબઇ માટે રવાના થવાનું છે. કન્ટેઇનર ભાડાંમાં થયેલા વધારા પછી હૂડકાઓ મારફતે નિકાસ કરવામાં સમય અને નાણા બન્નેની બચત થતી હોવાથી નિકાસકારોએ હજુ જૂની પધ્ધતિથી માલ મોકલવાનું ચાલુ રાખ્યું છે. એના કારણે નાના બંદરો પર અનેક લોકોને રોજગારી પણ મળી રહે છે.   

પોરબંદરની જેટી પર નાના કદના વહાણમાં સવારથી સીંગદાણા અને હળદર ભરવાનું કાર્ય ચાલુ હતુ. નિકાસકારોની હાજરીમાં જહાજમાં લોડીંગ ચાલુ હતુ અને દુબઇ જશે તેમ જાણવા મળ્યું છે. 

રાજકોટની ડીએસએન એગ્રી બ્રોકર્સના નીરજ અઢીયા કહે છે, 1000 ટન સીંગદાણા અને 200 ટન હળદર દુબઇ મોકલવા માટેની કામગીરી ચાલી રહી છે. વર્ષે અત્યાર સુધીમાં સીંગદાણા ભરીને આશરે 10થી 12 નાના વહાણો વિદેશ મોકલાઇ ગયા છે. હજુ ચારથી પાંચ વહાણો જશે. અત્યારે જઇ રહેલા માલ સૌરાષ્ટ્રના વેપારીઓના છે. 

તેમણે કહ્યું કે, દર વર્ષે  રીતે વેપાર ચાલે છે પણ જથ્થો નાનો હોવાથી જલ્દી ધ્યાને પડતો નથી. ખાસ કરીને મોટાં બંદરોના વર્ચસ્વ વચ્ચે નાના બંદરોએથી વહાણોમાં નિકાસ થાય તે સારી બાબત છે. ભાડાંમાં 5 ટકા જેટલી રાહત અને સમયની બચતને લીધે કેટલાક નિકાસકારો રીતે માલ મોકલે છે. શીપ મારફત કન્ટેઇનરો પહોંચવામાં 17-18 દિવસ થાય છે તેના બદલે નાના જહાજો સાતથી આઠ દિવસમાં પહોંચી જતા હોય છે. 

સીંગદાણામાં ચાલુ વર્ષે નિકાસ માગ ઓછી છે પણ રમઝાન નજીક આવી રહ્યો હોવાથી દુબઇ રવાનગી વધી છે. હજુ થોડાં દિવસો રીતે કામકાજ થશે. તેમના કહેવા પ્રમાણે નાના જહાજો મારફતે નિકાસ થાય તો લાઇમલાઇટમાં આવતા બંદરોમાં ધમધમાટ વધે અને સ્થાનિક લોકોને રોજગારી પણ પ્રાપ્ત થઇ શકે.