• સોમવાર, 04 માર્ચ, 2024

કઠોળની આયાત 30 લાખ ટનથી વધુ થવાની ધારણા  

બેંગલુરુ, તા. 11 : કઠોળના ઉત્પાદક વિસ્તારોમાં વરસાદ ઓછો થવાથી ઊપજ ઘટતા પ્રવર્તમાન નાણાકીય વર્ષમાં આયાત વધીને વર્ષની ટોચે થવાની સંભાવના છે. ગયા વર્ષની 22.90 લાખ ટનની આયાત વર્ષે 31 ટકા વધીને લગભગ 30 લાખ ટન થવાનો અંદાજ વેપારી સૂત્રોએ મૂક્યો છે. સ્થાનિકમાં વરસાદની અછતથી તાજેતરમાં કઠોળના ભાવ વધી રહ્યા છે. સરકારે 31 માર્ચ સુધી સફેદ વટાણાની આયાત શરૂ કરી છે, તે ઉપરાંત મસૂર, તુવેર અને અડદ સહિતના કેટલાક કઠોળની આયાત જકાતમુક્ત કરી છે, જેથી પુરવઠો વધી શકે અને ભાવ પણ નિયંત્રણમાં રહે. ગયા વર્ષે ચણાનો પાક સારો થયો હતો, જ્યારે મગની ઊપજને ખરીફ સિઝનમાં રાજસ્થાનમાં વરસાદના અભાવે અસર થઈ હતી. આપણે તુવેર, મસૂર અને અડદના પાક માટે હજી પણ આયાત પર આધારિત છીએ. 

વર્ષે 30 લાખ ટન 

કઠોળની આયાત કરીશું, એમ ઇન્ડિયા પલ્સીસ ઍન્ડ ગ્રેન્સ ઍસોસિયેશનના અધ્યક્ષ બિમલ કોઠારીનું કહેવું છે. ડિરેક્ટોરેટ જનરલ અૉફ કમર્શિયલ ઇન્ટેલિજન્સ ઍન્ડ સ્ટેટેટિક્સ (ડીજીસીઆઈએસ)ની માહિતી મુજબ ભારતે વર્ષે એપ્રિલ-અૉક્ટોબર દરમિયાન રૂા. 14,057 કરોડના 19.60 લાખ ટન કઠોળની આયાત કરી છે. આમાં મસૂરની આયાત 10 લાખ ટન જેટલી નોંધપાત્ર સ્તરે થઈ છે. વર્ષ 2017-18માં 65 લાખ ટનના નોંધપાત્ર સ્તરે કઠોળની આયાત કરાઈ હતી તેમાં સફેદ વટાણાની આયાત વ્યાપક પ્રમાણમાં થઈ હતી. ત્યાર બાદ સફેદ વટાણા, મગ અને કાબુલી ચણા પર પ્રતિબંધ મુકાતા આયાત ઘટી હતી.

પ્રવર્તમાન રવી સિઝનમાં 29 ડિસેમ્બર સુધીમાં કઠોળનો વાવેતર વિસ્તાર ઘટીને 142.49 લાખ હેક્ટર્સ રહ્યો છે, જે ગયા વર્ષે 153.22 લાખ હેક્ટર્સ હતો. વર્ષે ચણાનો વાવેતર વિસ્તાર, ગયા વર્ષના 105.80 લાખ હેક્ટરથી ઘટીને 97.05 લાખ હેક્ટર રહ્યો હોવાથી કઠોળનો વાવેતર વિસ્તાર મુખ્યત્વે ઘટયો છે. જોકે, મસૂરનો વાવેતર વિસ્તાર 18.02 લાખ હેક્ટર્સથી સાધારણ વધીને 18.68 લાખ હેક્ટર્સ થયો છે. ચણાનો વાવેતર વિસ્તાર ઘટયો હોવાથી ઊપજ 10-15 ટકા જેવી ઘટવાની સંભાવના છે, જ્યારે મસૂરના ઉત્પાદક મથક ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશમાં અનુકૂળ હવામાનથી પાક વધવાની શક્યતા છે, એમ સૂત્રોનું કહેવું છે.