• સોમવાર, 04 માર્ચ, 2024

જીરુંની નવા પાકની આવક શરૂ; ભાવમાં ફરી તેજી નીકળી  

અમારા પ્રતિનિધિ તરફથી 

રાજકોટ, તા. 11 : જીરૂમાં બમ્પર વાવેતર પછી સૌરાષ્ટ્રમાંથી નવા માલ નીકળવાનું હળવે હળવે શરૂ થયું છે. નવા પાકના ગણિતો પાછલા વર્ષ કરતા ખાસ્સા ઉંચા પ્રાથમિક ધોરણે માંડવામાં આવે છે પણ વાતાવરણ વારંવાર કરવટ બદલી રહ્યું હોવાથી હજુ આખરી ઉત્પાદન અંદાજ આપવામાં સૌ માથું ખંજવાળી રહ્યા છે. છતાં ઉત્પાદનમાં મોટો વધારો નક્કી છે. વાવેતરના ઉંચા આંકડા પછી જીરૂમાં ખાસ્સો કડાકો બોલી ગયો છે પણ હમણાં થોડાં દિવસોથી રમઝાનની માગ લાગુ પડી જતા ભાવ પ્રિગ જેવા ઉછળ્યા છે. પાક સમોસૂતરો ઉતરે તો ભાવ એપ્રિલમાં ગબડશે. 

જીરૂ બજારના અગ્રણીઓ કહે છેકે, પાકની સ્થિતિ હાલ ખૂબ સારી છે. વાવેતરના આંકડાઓ ગુજરાત અને રાજસ્થાનમાંથી જે ઢબે મળ્યા છે તેના પરથી 80 લાખ ગુણીથી 1.10 કરોડ ગુણી સુધીના પાકના અંદાજ બજારમાં ફરતા થઇ ગયા છે. જોકે અંદાજ વર્તમાન સ્થિતિનો છે અને જીરૂના પાક માટે હજુ પંદરથી વીસ દિવસનો સમય મહત્વનો છે. 

હવામાનમાં છેલ્લાં સપ્તાહથી ગરમી વધી છે. હવેના થોડાં દિવસો ગરમી-ઠંડી અને ઝાકળ વગેરેથી પાક બચી જાય તો સમસ્યા નહીં સર્જાય. અન્યથા પાકમાં બગાડ વધી જશે. પાકનો અંદાજ પણ એનાથી બદલાઇ શકે. ખેડૂતોના મતે પાકમાં સૂકારો અને ચરમીનો રોગ ઘણા વિસ્તારોમાં છે. જોકે વેપારી મતે આવા રોગથી 10-15 ટકા કરતા વધારે નુક્સાન થઇ શકે. 

છતાં હવે વાતાવરણમાં પલ્ટા આવે તો બગાડ 15 ટકાથી વધીને 20-25 ટકા સુધી પહોંચી શકે. આવી સ્થિતિમાં પાકનો અંદાજ નીચે આવી જાય અને તેજી-મંદીવાળા વચ્ચે કશ્મકશ સર્જાઇ શકે છે. 

જીરૂના પાક અંગે તેજી-મંદીવાળા વર્ગના અંદાજો સામે મૂકીએ તો ઓછાંમાં ઓછો 80 લાખ ગુણી અને વધુમાં વધુ 1.10 કરોડ ગુણીનો પાક આવવાની સંભાવના છે. વાતાવરણ આધારિત ફેરફારો પાક અંદાજમાં આવશે તેવું સર્વેમાં જણાય છે. 

ઉંઝાના અગ્રણી સીતારામ પટેલ કહે છેકે, ગુજરાતના પાકમાં 70 ટકામાં દાણા બેસી ગયા છે અને રાજસ્થાનમાં 25-30 ટકા પાકમાં દાણા બેસી ગયા છે. આમ હવે 20 દિવસનો સમયગાળો અતિ મહત્વનો છે. વાતાવરણ સારું રહે તો ઉત્પાદન ચોક્કસવધી શકે છે. જોકે બજાર તેના કારણ પર ઘટશે કે કેમ તેવા સવાલના ઉત્તરમાં જણાવ્યું કે, 15 એપ્રિલ સુધી બજાર ખાસ ઘટી જાય એમ નથી કારણકે સ્ટોકની પાઇપલાઇન ખાલી છે અને 20-25 લાખ ગુણીથી પાઇપલાઇન ભરાય નહીં ત્યાં સુધી ભાવ તૂટે નહીં એવું મારું માનવું છે. 

ઉંઝાના એક અગ્રણી નિકાસકાર કહે છે, જૂના માલનો સ્ટોક નથી એમ માનીને નવી સીઝનનો આરંભ કરવાનો છે. અત્યારે મોટાં બગાડની વાતો છે પણ અમારા મતે 10-15 ટકા બગાડ સામાન્ય વર્ષોની માફક હોવો જોઇએ. હવેનું વાતાવરણ અનુકૂળ રહે તો બગાડની ટકાવારી વધે નહીં.  તેમના મતે અત્યારે મરઝાનની માગ લોકલ અને નિકાસ બજારમાં સારી છે એટલે ભાવ ઘટ્યા પછી મણે રૂ. 1000 જેટલા વધી ચૂક્યાં છે. ઉંઝા સહિતની મંડીઓમાં નવા જૂના જીરૂનો વેપાર રૂ. 5700-7600ના મથાળે થાય છે. 

ભારતમાં જીરૂની માગ વિષે જાણકારો કહે છે,નિકાસ અને લોકલ માગ 80-85 લાખ ગુણી વચ્ચે રહે છે. જો ઉત્પાદન આટલું આવે તો તેજીનું કારણ બનશે કારણકે જૂનો સ્ટોક નથી. ઉત્પાદન આંકડા કરતા વધારે આવે તો બજારમાં વધુ ઘટાડો આવી શકે. જોકે હવે શું બનશે તે વાતાવરણથી નક્કી થશે.