• સોમવાર, 04 માર્ચ, 2024

રિલાયન્સ-ડિઝની વચ્ચે મર્જર વિશેની મંત્રણા અંતિમ તબક્કામાં   

વૉલ્ટ ડિઝની સાથે 17મી ફેબ્રુઆરી સુધીમાં કરાર કરવાની અંતિમ તારીખ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 12 : દેશની સૌથી મૂલ્યવાન કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને વૉલ્ટ ડિઝનીના ભારતીય એકમ સાથે મર્જરની તૈયારીઓ અને મંત્રણા અંતિમ તબક્કામાં પહોંચી છે. આવતી 17મી ફેબ્રુઆરી સોદો પૂર્ણ કરવા માટેની અંતિમ તારીખ હોવાથી બંને કંપનીઓ વચ્ચેનું મેગા સ્ટૉક ઍન્ડ કૅશ મર્જરને આખરી ઓપ આપી રહ્યા હોવાનું ઘટના સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું છે.  

ઝી એન્ટરટેઈનમેન્ટ લિમિટેડ અને સોની વચ્ચે મર્જર નિષ્ફળ જવાના કારણે વૉલ્ટ ડિઝનીના ભારતીય એકમનું મૂલ્યાંકન 10 અબજ ડૉલરથી ઘટીને અત્યારે 4.5 અબજ ડૉલર થઈ જતાં તેનો સીધો લાભ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને થશે. સોની અને ઝી એન્ટરટેઈનમેન્ટ વચ્ચે મર્જર પડી ભાંગતાં વૉલ્ટ ડિઝનીના મૂલ્યાંકનમાં પચાસ ટકાથી અધિક ઘટાડો થયો હતો. ડિઝની સાથે મર્જર થયા બાદ રિલાયન્સ અને તેની પેટા કંપની જિઓ એન્ટરટેઈનમેન્ટ મનોરંજન ક્ષેત્રની દેશની સૌથી મોટી કંપની બનશે.  

જિઓના ડિસેમ્બર ત્રિમાસિક ગાળાના પરિણામો માર્કેટની અપેક્ષા મુજબ આવ્યા હતા. જિઓની વ્યાજ, વેરા, ઘસારા અને લોનના હપ્તાની ચુકવણી પહેલાની (ઈબિટ્ડા) આવક ત્રિમાસિક ધોરણે 1.4 ટકા વધીને રૂા. 142.6 અબજ થઈ હતી જ્યારે રિટેલ બિઝનેસની ઈબિટ્ડા 8 ટકા વધીને રૂા. 62.7 અબજ થઈ હતી. રિલાયન્સ ઈન્ડ.નો ચોખ્ખો નફો સૂચિત ગાળામાં વાર્ષિક ધોરણે 10.3 ટકા વધીને રૂા. 19641 કરોડ થયો હતો, જે ત્રિમાસિક ધોરણે 1.2 ટકાનો ઘટાડો દર્શાવે છે. સિટી બૅન્કના નિવેદન અનુસાર આવનારા બે નાણાં વર્ષ દરમિયાન જિઓની ઈબિટ્ડામાં બેથી પાંચ ટકાની વૃદ્ધિ સંભવ છે, જ્યારે રિટેલ બિઝનેસમાં પણ બેથી પાંચ ટકાનો ગ્રોસ નફો થવાની ધારણા છે.